hariye hath saho re - Lokgeeto | RekhtaGujarati

હરિએ હાથ સાહો રે

hariye hath saho re

હરિએ હાથ સાહો રે

હરિએ હાથ સાહો રે પાંચાલી, ઓળંભા લીધા તે વાળી વાળી

આપ્યું આસન તે અવળે હાથ, ત્યાં બેઠા શ્રી જદુનાથ.

“તમો દેખતાં સારંગપાણિ! હું ભરી સભામાં વગોવાણી;

દુષ્ટે ચીર ગ્રહીને રે તાણી, એક વસ્ત્રે સભામાંહે આણી;

દુષ્ટે ચીર ગ્રહ્યું છે જેમ, કઠણ હૃદય ના ફાટે તેમ.

ત્યાં હું ‘કેશવ! કેશવ! પોકારી, તો યે શેં ના આવ્યા મોરારિ?

ત્રિકમ! શેં ના આવ્યા તમો ધાઈ? પાવૈ થયા છે પાંચે ભાઈ.

ભણવું લખવું પાંચે યે વિસાર્યુ, રાયજીએ રમતાં રાજ્ય હાર્યું

“તું છે દુર્યોધનની દાસી”, રાય બોલ્યા તે મન વિમાસી.

અર્જુન! ધિક પડો તું ધનુર્ધારી, ભીમસેન થયા રે ભીખારી!

કઠિયારો યે સ્ત્રીને તો પાળે, રંક છતાં યે દુઃખડું ટાળે;

સહુને એકે કો રે સ્વામી, હું તો પાંચ પાંડવ ક્યાંથી પામી?”

“પાંચાળી! મારા રે સમ, પાંડવ દ્યૂત રમ્યા હશે ક્યમ?

પાંડવ દ્યૂત રમ્યા હશે જ્યારે, હું તો દ્વારિકા હુતો ત્યારે.

જો હું હોઉં તો ધાઈને આવું, ઊગમતા રે શોક સમાવું;”

હરિ આંસુ લ્હુવે, દે ધારણ; દ્રૌપદી સ્થિર રાખોની રે મન.

સુંદરી! શ્યામ વદન નવ કીજે, આપત્તિ પોતાની વાળીને લીજે.

દુઃખમાં રાખીએ ઝાઝી ધીર—” એવું કહી ગયા યદુવીર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, હરિકાન્ત ન્હાનાલાલ દીક્ષિત.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964