han re mara swamiji - Lokgeeto | RekhtaGujarati

હાં રે મારા સ્વામીજી

han re mara swamiji

હાં રે મારા સ્વામીજી

“હાં રે મારા સ્વામીજી! શેં નથી બોલતા? આવડો શો મર્મ?

હઈયે હાણ જ્યારે થશે, પ્રગટશે પરબ્રહ્મ.

પ્રભુજી! કચ્છપ રૂપ ધર્યું, તમે કાઢ્યાં ચૌદ રતન;

લક્ષ્મીજી લઈ ઘેર પરવર્યા, તેનાં કીધાં જતન.

પ્રભુજી! વરાહ રૂપ ધર્યું, દાઢ કાઢી વિકરાળ;

નરસિંહ રૂપ ધર્યું તમે, રાખ્યું દૈત્યનું બાળ;

પ્રભુજી! રઘુકુળ દીપાવીને, માર્યા દૈત્ય અનેક;

ભક્ત ઘણાએક ઉદ્ધર્યા, રાખી જ્ઞાન વિવેક.

પ્રભુજી! વામન થઈ બલિ ચાંપિયો, રાખ્યું ઈંદ્રાસન;

ભક્ત-કારણ પ્રભુ ભૂધરા, આપ્યું અઢળક ધન.

પ્રભુજી! મોટા ભક્ત પાળ્યા, સેવક સીધ્યાં કાજ;

ધ્રુવ ભક્ત વન રાખીને, આપ્યાં અવિચળ રાજ.

આગે પરશુરામે હણ્યા ક્ષત્રિય પાળ્યાં તાતવચન!

માતાનું શિશ છેદીને, માર્યો સહસ્રાર્જુન,

આગે દ્રુપદરાય યજ્ઞ માંડિયો, આવ્યા વિશ્વાધાર;

અર્જુને મચ્છ વેધતાં, મને સોંપી દીધી તે વાર.

રાજસૂય યજ્ઞ કરાવીને, અમ માન મોટેરાં કીધાં;

આજે આઘાં તેડીને ઊશેટિયાં, લોક-મહેણાં આજ દીધાં!

સ્વામી! સભા મધ્યે આણી, ઊભી કીધી, દેખે મોટેરા ભૂપ;

મારો નખ કોઈએ દેખ્યો નથી, કો પરપુરુષે સ્વરૂપ.

સભા મધ્યે આણી ઊભી કીધી, સહ્યા પાટુના પ્રહાર;

વાટ જોઉં છું મારા નાથની, જાણું જે ચઢશે વાહાર.

સ્વામી આગે કહેતા હુતા, જે દ્રૌપદી પાંચાલી નાર.

એના જેવી મુને કો નથી, વાહાલી આણે સંસાર.

સ્વામી! વાહાલપણું ક્યાં ગયું? કમળાજીના કંથ!

કૌરવકુળને સાંખી રહો થઈ રહીને નિશ્ચિંત!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 119)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, હરિકાન્ત ન્હાનાલાલ દીક્ષિત.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964