ma jani - Lokgeeto | RekhtaGujarati

મા-જણી

ma jani

મા-જણી

ઊંચા ઊંચા મો’લ મારાં ઘર રે વિવાતાં,

ત્યાં રે ઢળાવો ભમર ઢોલીઆ રે.

ત્યાં ચડીને પોઢે મારો માડીનો જાયો,

ઉભાં ભાભલડી ઢોળે વાહોલિયો રે.

વાહોલા ઢોળે ને વાત પ્રીછવે,

તો નણદીને પાડોશે રાખશો રે.

દીઠાં અણદીઠાં નણદી નિત નિત માગે,

તો નિત રે ઉઠીને ઝગડો માંડશે રે.

ઓછી અક્કલની, ઓછાં કુળની, ઓછું શું બોલો,

તો ઓછાં બોલ્યે અવગુણ ઊપજે રે.

માડીની જાઈની મારે ઘણી રે સગાઈ,

તો ગોરાંદે પગની મોજડી રે.

મોજડી ખંખેરું તો ગોરાંદે આવે,

પણ નાણે ને ટાણે ના જડે મા-જણી રે.

ઘરની ધણિયાણી, તમે ઝાલ ઝુમણાં પહેરો,

તો માડીની જાઈ માદળિયાં પહેરશે રે.

ઘરની ધણિયાણી, તમે ચીર સાળુ પહેરો,

તો માડીની જાઈ પટોળાં પહેરશે રે.

ઘરની ધણિયાણી, તમે ઓરડામાં મા’લો,

તો માડીની જાઈ માંડવડે મહાલશે રે.

ઘરની ઘણિયાણી, તમે રાંધો ને સીંધો,

તો માડીની જાઈ જમવા બેસશે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 263)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968