wanra ti wanman maDhi banawi - Lokgeeto | RekhtaGujarati

વનરા તી વનમાં મઢી બનાવી

wanra ti wanman maDhi banawi

વનરા તી વનમાં મઢી બનાવી

વનરા તી વનમાં મઢી બનાવી, ત્યાં વસે સીતાજી નાર રે;

જોગી થઈને રાવણ આવ્યો, ભિક્ષા દ્યો સીતા નાર રે.

થાર ભરી સીતા વનફૂળ લાવ્યાં, લ્યો બાવાજી ભિક્ષા રે;

બાંધી ભિક્ષા અમે નહીં લઈએ, ગુરૂજીને બેસે ગાર રે.

પરથમ પગ પાવડીયે મેલ્યો, બીજો મઢીની બાર રે;

ખંભે ચડાવી રાવણ હાલ્યો, લઈ ગ્યો લંકા શે’ર રે.

સીતાને જઈને વાડીમાં બેસાડ્યા, રાવણ ચાલ્યો ઘેર રે;

સર્વે હકીકત રાણીને સંભળાવી, મળવા કરજો મે’ર રે.

મનોહરી ત્યાં મળવાને ચાલી, સીતાયે વાળ્યો વાંસો રે;

મનોહરી ત્યાં મેણલાં બોલી, સુણો સીતા નાર રે;

સતી હતાં જો તમે સીતાજી, શું કામ છોડ્યા રામ રે?

કીયો તો સીતાજી ચુડલે મઢાવું, સવા લાખનો હાર રે;

ચુંદડીયે તો રતન જડાવું, છોડી દીયો રામનું નામ રે.

ચુડલો તારો પથ્થર પછાડું, ત્રપકે તોડું હાર રે;

ચુંદડીયે તો આગ મેલું, નહિ છોડું રામનું નામ રે.

મનોહરી ત્યાં મેણલાં બોલી, સુણો સીતા નાર રે;

સતી હતાં જો તમે સીતાજી, શું કામ છોડ્યા રામ રે?

હું તો મારાં સતને રાખું, તને રંડાપો આપું રે.

રસપ્રદ તથ્યો

બરડા પ્રદેશમાં ‘ળ’ બોલાતો નથી, તેને બદલે ‘ર’ ઉચ્ચાર કરે છે. જેમકે ગાળ્ય = ગાર્ય, કાળા=કારા. અભ્યાસીઓએ આ રીતે ‘ર’ હોય ત્યાં ‘ળ’ નો ઉચ્ચાર સમજવો.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 165)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966