awli gangana awla neer - Lokgeeto | RekhtaGujarati

અવળી ગંગાના અવળા નીર

awli gangana awla neer

અવળી ગંગાના અવળા નીર

અવળી ગંગાના અવળા નીર વહુ ઘેર સાસુ બેસવા જાય,

વહુ બેઠા છે શીંગાર, સાસુ સમરો ઢળી.

વહુ રે વહુ મારા સમરત વહુ લંકા લખી રે દેખાડો.

કાને નો સાંભળ્યું બૈજી નજરે નો દીઠ્યું કેમ લખાય લંકાનું સરૂં.

એટલું કીધેને ડોસી રીસઈ જાય, દડવડ દડવડ ડોસી ચાલ્યા જાય.

વળો રે વળો રે મારા બૈજી રે લંકા લખી દેખાડું.

અત્રીસ બત્રીસ બેનડી લખી, છપ્પન કરોડ જમઈડા લખ્યા.

રામલક્ષ્મણ બે બાંધવા લખ્યા, દશમાથાનો રાવણ લખ્યો.

કોસ હાંકતા કોસીયો લખ્યો, પાણી વાળતા પાણીતાણીયો લખ્યો.

છાણા વિણતી છોડી લખી, ભાત દેતી ભતવારી લખી.

આલ્યો રે આલ્યો રે મારા બૈજી રે લંકા લખીરે દેખાડ.

જઈને ચોડી પાણીહારા ઉપર રામને તરસુ લાગી,

માતા રે માતા રે મોરા માવડી રે મને જળભરી દેજો

અમે નથી રામ નવરા રે તમારી હાથે લ્યોને

રામે તે જળ લોટા બોળીયા સામો વેરી દીઠો.

માતા રે માતા મોરી માવડી રે વેરી કોણે લખ્યો!

હું નો જાણું ભોળા રામજી રે સીતા સતિને પૂછો.

સોળસેં સૈયરૂમાં રમત રે ત્યાં કંઈ રામના તેડા,

નથી રે ઢોળ્યા નથી ફોડીયારે હૈડે ધ્રુસકો લાગે.

સતિ રે સતિ મારા સતિ રે વેરી કોણે લખ્યો!

સાસુનો કીધેલ આલેખ રે સ્વામી ભૂલંતાપૂર્યો,

લક્ષ્મણ લક્ષ્મણ બંધવા રે સીતાને વન ઓળાવો.

ભાઈ મોરા રામ સીતા વનમાં ક્યાં રહેશે!

ઘેલા રે વીરા ઘેલા રે સીતા વનમાં ક્યાં રહેશે!

તારે ભજે તુંય રાખ નહીંતર વન ઓળાવ.

ઘેલા રામજીવીર ઘેલારે મારે માણસ મળશે.

ઘેલા રામજીવીર ઘેલારે મારે માવડી બોલ.

કાળા બળધ્યાને કાળી વેલડી સીતાને હાલ્યા વન મેલવા.

ગામને લોકે જાણીયું કે સીતા વનમાં જાય.

ગામને ઝાંપે દેરડી અપશકન થાય.

આવડલે શકને ચાલનીરે ફરી રામેનો મળવી.

લક્ષ્મણ (2) વનમાં તે ચંદન તળાવડી રે રથ ઉભલો રાખ્યો.

હવે હેઠા ઉતરો મારા માવડી રે વન આવી રે જીયા.

લખમણ (2) દેરીડારે મને બીકુ રે લાગે.

વનમાં તે ઝાઝા વાંદરા રે ભોજાઈ જો જો ને રે’ જો.

લખમણ (2) દેરીડા રે મને તરસુ લાગે.

વનમાં તે ચંદન તળાવડી રે ભોજાઈ પીજાને રે’જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963