lobhe lakhan jay - Lokgeeto | RekhtaGujarati

લોભે લખણ જાય

lobhe lakhan jay

લોભે લખણ જાય

માને વાલી રે દીકરી, દીકરીને વા’લાં ઘર,

ઘરને વા’લું રે ઘોડિયું, ઘોડિયાંને વાલાં બાળ.

બાળને વા’લી રે વાટકી, વાટકીને વા’લાં દૂધ,

દૂધમાં ભળી રે સાકર, કંચોળા પીવે દીનાનાથ.

મા મેલ્યે વેલેરું આણું જો, મારું ઘર થિયું ગાંડુ ઘેલું રે,

હું ઘરડે ઘૂંઘટડાની ઘેલી રે, મારા નેણે આંસુડાંની હેલી રે.

તેવતેવડી ટોળે વળી, અલબેલાજી,

હું નથી તમ જેવડી, અલબેલાજી.

હું બીવરાવી બીતી નથી, અલબેલાજી,

હું ડરાવી ડરતી નથી, અલબેલાજી,

હું ઓશિયાળી કોઈની નથી, અલબેલાજી,

હું ઓશિયાળી દીનાનાથની, અલબેલાજી

દીનાનાથજી સ્વામી રે પૂછું એક વાતલડી,

તમે ક્યાં રમી આવ્યા રે રંગભરી રાતલડી?

ચોરની સરખા રે, બીતા બોલો છો?

નીંદરના ભરિયા રે, ડરગે ડોલો છો.

માનો માનો દીનાનાથ, મેં તો તમસેં જોડ્યા હાથ,

આંખડી અદલાબદલી થાય, તમારા લોભે લખણ જાય.

મોજડી ક્યાં વિસારી આવ્યા? કો’કનો અખ્તર જોડો લાવ્યા.

તમને કઈ મળી’તી કાલી? તમારા ગંજવાં કર્યાં ખાલી.

માનો માનો દીનાનાથ, મેં તો તમસેં જોડ્યા હાથ,

આંખડી અદલાબદલી થાય, તમારા લોભે લખણ જાય.

પાંભરી ક્યાં વિસારી આવ્યા? કો’કનો ધૂંહોધાબળ લાવ્યા,

તમને કઈ મળી’તી રૂડી? તમારી લઈ લીધી શુદ્ધિ.

વાંસળી ક્યાં વિસારી આવ્યા? કો’કનું વેણ્ણુ ઉપાડી લાવ્યા,

તમને કઈ મળી’તી લટકાળી? આખી રાતલડી ક્યાં ગાળી?

માનો માનો દીનાનાથ, મેં તો તમસે જોડ્યા હાથ,

આંખડી અદલાબદલી થાય, તમારા લોભે લખણ જાય.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 191)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968