leliDo ghelo - Lokgeeto | RekhtaGujarati

લેલીડો ઘેલો

leliDo ghelo

લેલીડો ઘેલો

રાણાના રાજમાં લેલીડો ઘેલો,

ડોઢીમાં જામી રે રિયો.

પરથમ આવીને કિલ્લો રે ફાડ્યો,

ભાઠુંમાં પથરાઈ રિયો; રાણાના.

જૂનો કંડેલીઓ કાઢી રે નાખ્યો,

દીવાની દાંડીએ દીવો રિયો, રાણાના.

અસલી રસ્તા એણે કાઢી રે નાખ્યા,

સૈડેકના ચાલણાં કીધાં; રાણાના.

સોના ને રૂપાં કાઢી રે નાખ્યાં,

પિત્તળનાં ચલણ કીધાં; રાણાના.

પાલી પોવાલાં કાઢી રે નાખ્યાં,

તરાજવાનાં ચલણ કીધાં; રાણાના.

રાણાસાઈ કોરી કાઢી રે નાખી,

રૂપિયાનાં ચલણ કીધાં; રાણાના.

જૂનો દરબારગઢ ખાંડો રે કીધો,

રાજમહેલનાં હલણાં કીધાં; રાણાના.

બાલાબંધી આંગડી કાઢી રે નાખી,

ખમીસનાં ચલણ કીધાં; રાણાના.

આંટિયાળી પાઘડિયું કાઢી રે નાખી,

ટોપીઓનાં ચલણ કીધાં; રાણાનાં.

ખાટી રે છાશનાં વાધાં પડ્યા, ને

ઓલી ચાનાં ચલણ કીધાં; રાણાના.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 268)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968