laljina mahina - Lokgeeto | RekhtaGujarati

લાલજીના મહિના

laljina mahina

લાલજીના મહિના

લાલજી! કારતક મહિને રથ જાદવરાયે જોતર્યા

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! માગશર મહિને મેલી મથુરા ગયા

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! પોષ મહિને પોપટ બેઠો પાંજરે

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! મહા મહિનાની સેજલડી સૂની પડી

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! ફાગણ મહિને કેસૂડો રંગ ઘોળિયો

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! ચૈતર મહિને ચતુરભુજ ચાઈલા ચાકરી

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! વૈશાખ મહિને વાયે હીંડોળા ઝૂલતા

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! જેઠ મહિને જગજીવન ઘેર આવિયા

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! અષાઢ મહિને અબળાને સુખ આપજો

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! શ્રાવણ મહિને સરવડેથી વરસિયો

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! ભાદરવો ભલ પેરે ગાજિયો

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! આસો મહિને દિવાળી ભલ આવિયાં

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! ફૂલવાડીમાં રંગીન બાવળ લાકડાં

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! તેની ઘડાવું નવરંગ પાવડીઓ

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! પાવડીઓ પહેરીને મારે મો’લે આવજો

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! પાવડીઓથી રડ્યાખડ્યા તો ભલે પડ્યા

લાલ, વહેલા આવજો હો લાલ!

લાલજી! બળતીજળતી બોલું છું પણ ઘણી ખમા

લાલ, વહેલા આવજો હો લાલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 333)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957