lal kem kariye! - Lokgeeto | RekhtaGujarati

લાલ કેમ કરીએ!

lal kem kariye!

લાલ કેમ કરીએ!

કાચલીમાં કંકોડી ને વાડકીમાં પાણી,

ન્હાનો વર નવડાવવા બેઠી, સમડી લઈ ગઈ તાણી,

લાલ કેમ કરીએ!

મારે કરમે કજોડું, લાલ કેમ કરીએ,

મારે જુગમાં વગોણું, લાલ કેમ કરીએ!

મારે સૈયરોમાં મેણું, લાલ કેમ કરીએ!

ટોપલામાં ઘાલી હું તો કાકાબળિયા ગઇ'તી,

કાકેબળિયે પૂછ્યું તારો શો સગો લાગે,

લાલ કેમ કરીએ -મારે કરમે.

બાઈજીનો બેટડો ને નણદીનો વીરો

નાનો છે પણ કંથ, લાલ કેમ કરીએ! -મારે કરમે.

રોટલા ઘડું તારે ચાનકી રે માગે,

ધબ્બ દઈને ઢીકો મારું, હૈયડામાં દાઝે,

લાલ કેમ કરીએ! -મારે કરમે.

પાણીડાં જાઉં તારે છેડે વળગે આવે,

ધબ્બ દઈને ઢીકો મારું, હૈયડામાં સાલે,

લાલ કેમ કરીએ! -મારે કરમે.

હાથ પગ દોરડી ને પેટ મોટુ ગોળી,

ઉકરડે જઈ હગવા બેસે, સમડી પાડે ઢોળી,

લાલ કેમ કરીએ! -મારે કરમે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ