kuwaman karelDi - Lokgeeto | RekhtaGujarati

કૂવામાં કારેલડી

kuwaman karelDi

કૂવામાં કારેલડી

કૂવામાં કારેલડી રંગરસિયા ઢોલા,

ઢાલ ઢાલ જેવડાં ફૂલ વાર રે ઢોલા,

માનીતીને આંણાં આવિયાં રે રંગરસિયા ઢોલા.

આવ્યા દિયર જેઠ વાર રે ઢોલા.

હોળી ચોળીને માથાં ગૂંથિયાં રંગરસિયા ઢોલા.

એની પાંથીએ શેર સિંદૂર રે વાર રે ઢોલા.

રમજમ કરતાં મેડે ચડ્યાં રંગરસિયા ઢોલા.

ડાબા તે હાથમાં દીવડો રંગરસિયા ઢોલા.

જમણા હાથમાં ફૂલ રે વાર રે ઢોલા.

બેઠો પાતળિયો ઊભો થયો રંગરસિયા ઢોલા.

પાંચ પીયાલી મોજડી રંગરસિયા ઢોલા.

ઘણું જીવો મારી માવડી રંગરસિયા ઢોલા.

ભલે આપ્યો અવતાર રે રંગરસિયા ઢોલા.

અણખામણીને આંણાં આવિયાં રંગરસિયા ઢોલા.

આવ્યા ચારણ ભાટ રે વાર રે ઢોલા.

હોળી ચોળીને માથાં ગૂંથિયાં રંગરસિયા ઢોલા.

લમણે ઝાઝી લીખ રે વાર રે ઢોલા.

રમજમ કરતાં મેડે ચડ્યાં રંગરસિયા ઢોલા.

ડાબા તે હાથમાં દીવડો રંગરસિયા ઢોલા.

જમણા હાથમાં ધૂળ રે વાર રે ઢોલા.

બેઠો પાતળિયો સૂઈ ગયો રંગરસિયા ઢોલા.

સઈડક તાણી સોડ રે વાર રે ઢોલા.

મરજો મા ને બાપ રંગરસિયા ઢોલા.

શીદ આપ્યો અવતાર રે વાર રે ઢોલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 209)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957