kunwar chelaiya - Lokgeeto | RekhtaGujarati

કુંવર ચેલૈયા

kunwar chelaiya

કુંવર ચેલૈયા

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા;

મારા વાંઝિયાના અવતાર, કુંવર ચેલૈયા.

(સાખી)

જાણ્યું કુંવર પરણાવશું, જાડી જોડશું જાન;

ઓચિંતાં મરણ આવીયાં રે,

એનાં સ્વર્ગેથી ઉતર્યાં વેમાન, કુંવર ચેલૈયા,

તારે હાલરડે પડી હડતાલ, કુંવર ચેલૈયા;

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

સાધુ રૂપે પ્રભુ આવીયા ચેલૈયાની નિશાળ,

ભાગ ભાગ કુંવર ચેલૈયા રે,

તને મારશે તારાં મા ને બાપ, કુંવર ચેલૈયા,

મારા ચાખડીના ચડનાર, કુંવર ચેલૈયા;

મારા વાંઝિયાના અવતાર, કુંવર ચેલૈયા.

(સાખી)

ભાગું તો લાજે ભોમકા, ધરતી ઝીલે ભાર,

મેરૂ પર્વત ડોલશે રે,

મારો આકાશનો આધાર, કુંવર ચેલૈયા.

તારા ગુરૂજી જુવે તારી વાટ, કુંવર ચેલૈયા;

તું તો ઘોડાનો અસવાર, કુંવર ચેલૈયા.

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

લીલી હોજો લીંબડી, ને શીતળ એની છાંય;

બાંધવ હોય અબોલડા રે,

તોય તો પોતાની બાંય, કુંવર ચેલૈયા;

મારા કણ ખૂટ્યા કોઠાર, કુંવર ચેલૈયા,

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

કુવા ઢાંકણ પાવઠી, ને જગનું ઢાંકણ જાર,

બાપનું ઢાંકણ બેટડો રે,

એવું ઘરનું ઢાંકણ ઘરનાર, કુંવર ચેલૈયા,

મારા ચાખડીના ચડનાર, કુંવર ચેલૈયા;

મારા નોધારાનાં આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ તું કાં નમ્યો ઘરના મોભ?

` જેને આંગણેથી કંધોતર ઊઠિયા રે,

એને જનમોજનમના શોક કુંવર ચેલૈયા,

મારા ઘોડલડાના અસવાર, કુંવર ચેલૈયા;

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

મેલામાં મેલો વાણિયો, ને તેથી મેલો લોભ,

એથી મેલો સગાળશા રે,

તો મુવે પામે મોક્ષ, કુંવર ચેલૈયા,

મારા ચાખડીના ચડનાર, કુંવર ચેલૈયા;

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

ફળ વિના ઝૂરે પીપળી, ને ફૂલ વિના ઝૂરે ઝાડ,

ભાઈ વિના ઝૂરે બેનડી રે,

એમ પુત્ર વિના ઝૂરે માત, કુંવર ચેલૈયા,

મારા વાંઝિયાના અવતાર, કુંવર ચેલૈયા;

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

હાથે પોંચી હેમની, ને ગળે એકાવળ હાર;

જેને આંગણે નહીં દીકરો રે,

એને પૂરવ જનમનાં પાપ; કુંવર ચેલૈયા,

મારા ઘોડલડાના અસવાર, કુંવર ચેલૈયા;

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

ભાઈ મરે ભવ સાંભરે, બેની મરે દશ જાય;

બાળપણમાં જેનાં માવતર મરે રે,

એને ચારે દશુના વા વાય, કુંવર ચેલૈયા,

મારાં વાંઝિયાના અવતાર, કુંવર ચેલૈયા;

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

(સાખી)

ચેલૈયાને સજીવન કર્યો, ને લાગ્યો પ્રભુને પાય,

ભોજલ સ્વામીને ભજતાં રે,

એના પંડનાં પ્રાછત જાય, કુંવર ચેલૈયા,

મારા વાંઝિયાના અવતાર, કુંવર ચેલૈયા.

મારા ચાખડીના ચડનાર, કુંવર ચેલૈયા,

મારા નોધારાના આધાર, કુંવર ચેલૈયા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968