tulsini barmasi - Lokgeeto | RekhtaGujarati

તુલસીની બારમાસી

tulsini barmasi

તુલસીની બારમાસી

અષાડે તુલસી રોપ રોપાવે, શ્રીકૃષ્ણ પોઢ્યા છે તુલસીને ક્યારે:

શામળો ગુણવંતા.

શ્રાવણે તુલસી દો દો રે પાન, હરખ્યા નારાયણ તુલસીને નામે.—શા.

ભાદરવે તુલસી ભેર રે આવ્યાં, જાદવરાયે કંઠે સોહરાવ્યાં.—શા.

આસોએ તુલસી આશાવળુંધ્યાં: દેવ દામોદરે ખોળામાં લીધાં.—શા.

કાર્તકે તુલસી બાલકુંવારી, લગન નિર્ધારીને પરણ્યા મોરારિ.—શા.

માગશરે માવઠડે રે જઈએ: શીયાળે તુલસીનાં જતન કરીયે.—શા.

પોષ માસે પડ્યા રે પુકાર: તુલસી વિના સૂનો સંસાર—શા.

માહ મહિને સુધબુધ બોળે: તુલસી વિના ત્રિભુવન ડોલે.—શા.

ફાગણે હોળી ખેલે ગોવાળા: આકાશે ખીલે લીલાવતી ચંદા.—શા.

ચૈત્ર માસે બંધાવ્યા હિંડોળા, હિંડોળે હીંચે શ્રી રામજી ભોળા.—શા.

વૈશાખે વાવલીયા વાયા, રતે રમે માડીજાયા. —શા.

જેઠ માસે તુલસી કરમાયાં: સોળસેં ગોપીઓ પાણીડાં ચાલ્યાં—શા.

ધનધન માલણ બેટડો જાયો; તુલસીને માટે ક્યારો ખોદાવ્યો —શા.

“હું તમને પૂછું મારાં રે તુળશી:

કોણ તમારી માતા? ને કોણ તમારા પિતા?—શા.

“ધરતી મારી માતા, ને મેઘ મારા પિતા:

વસુદેવ સસરો, ને શ્રીકૃષ્ણ ભરથારા.”—શા.

જેને તે બારણે તુલસીના ક્યારા: તેના તે સફલ થયા જન્મારા.—શા.

જેને તે બારણે તુલસીનાં કુંડાં, તેને તે અખંડ હેવાતન રૂડાં.—શા.

તુલસીને ક્યારે ઘીના તે દીવડા, ‘હરિ’ ‘હરિ’ કરતાં જાશે જીવડા.—શા.

જે કોઈ ક્યારામાં રેડે રે પાણી, તેને ઇન્દ્રાસન, રાજાની રાણી.—શા.

જે કોઈ ક્યારામાં ઘાલે રે ગાર, તે રે ઇન્દ્રાસનના રાજા થનાર.—શા.

જે કોઈ ક્યારામાં વાળે ગોરમટી; તે તો ઇન્દ્રની થાશે રે બેટી.—શા.

ગાય શીખે ને સાંભળે જે કો, વ્રજ વૈકુંઠમાં વાસ છે તેનો.—શા.

ના ગાય ના શીખે જે નરનાર, તેનો તે પશુપંખીનો અવતાર.—શા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966