rangilo kanuDa - Lokgeeto | RekhtaGujarati

રંગીલો કાનુડા

rangilo kanuDa

રંગીલો કાનુડા

સખિ ચાલો તો હરિને નિહાલીએ,

મુને જોયા વિના સોહાય.—રંગલો કાનુડો.

એને સુણીએ ઉપરવાડે બોલતાં,

મારા ઘરમાંથી મન અકળાય.—રંગીલો.

એની આંખ કુરંગના જેવડી,

એના લોચન લાલ ગુલાલ.—રંગીલો.

એની બાંએ બાજુબંધ બેરખા,

વરણાગીઓ ગોકુલ-બાલ.—રંગીલો.

સખી થકી નહિ કોય કુટડો બીજો,

શોધી જુઓ નવખંડ.—રંગીલો.

એનો લટકો મુને ખૂંચી રહ્યો,

એનાં વેણ રસિક રસાળ.—રંગીલો.

એની મોરલીએ ઘેલી કરી,

જાણે અગ્નિએ દૂધ ઉભરાય.—રંગીલો.

સખી તું મનમાની મારે ખરી,

એક કહું છું અંતરની વાત.—રંગીલો.

મારૂં મન તો એને મળવા કરે,

સખી થકી મન કેમ થાય?—રંગીલો.

કાંઈ કામણ દીસે એમાં ખરાં,

નહિતાં આવડો સનેહ કેમ થાય?—રંગીલો.

હું તો જાણું એને પ્રીછી કરી,

જાણે શરદપૂનમનો ચંદ્ર.—રંગીલો.

એનું રૂપ દીસે અતિ શોભતું,

જાણે દીસે ત્રિભંગી સ્વરૂપ.—રંગીલો.

એની ચંચલ ચાલ તે આકારી,

એને દેખીને રીઝું અપાર.—રંગીલો.

એની દૃષ્ટિમાં મોહન-વેલડી,

જાણે અમૃત વરસે મેહ.—રંગીલો.

એને મસ્તક મુગટ જલહલે,

કાને કુંડળ ઝલકે રસાળ.—રંગીલો.

એનું મૉળિયું કસુંબા રંગનું,

વહાલો પહેરે પીતાંબર સાર.—રંગીલો.

કંઠે હાર મોતીનો શોભ ઘણો,

મારો જીવન—પ્રાણ—આધાર.—રંગીલો.

હું તો જાણું મંદિર એને તેડીએ,

હું તો જાણું દીવાની આજ.—રંગીલો.

એનો હરખ હૈયે માતો નથી,

ઉભરાઈ આવે બા’ર.—રંગીલો.

એનું મુખ દીસે અતિ આનંદમાં,

એને છાંયડે ધરૂં મારા હાથ.—રંગીલો.

હરિ બેસે ત્યાં પામરી પાથરું,

એને ઓળખે છે વૈષ્ણવ જંન.—રંગીલો.

પાકે તેલે ચોળી નવરાવીએ,

એને બેસાડું પાટ-મોઝાર.—રંગીલો.

અધિક કેસરની આડ કરૂં,

કંઠે ઘાલું ચંપકનો હાર.—રંગીલો.

એને ભોજન કરાવું ભાવે કરી,

માંહે વિધ વિધનાં પકવાન.—રંગીલો.

પ્રેમે પીરસું તે પ્રેમાનંદને,

મારે હાથે જમે ભગવાન.—રંગીલો.

બીડી આપું તે બાસઠ પાનની,

માંહે લવીંગ સોપારી સાર.—રંગીલો.

એમ હેમ—હીંચોલે હિંચતા,

સખી નિહાળું મારો નાથ.—રંગીલો.

હરિ હીંચે ત્યાં ચુંબન લીજીએ,

પાએ મધુર અમૃત સાર.—રંગીલો.

આખું મંદિર કુમકુમ છાંટીયું,

માંહે ચુવા ચંદન રસાલ.—રંગીલો.

વાએ ઢોળું વાલાજીને વીંજણે,

હું તો ઊભી તલાસું પાય.—રંગીલો.

એને જોવાની ખાંત મુને ઘણી,

મારા ઘરમાં છે નણદી રીસાળ.—રંગીલો.

સખી, ચાલો જઈએ મહી વેચવા,

આપણને મળશે શ્રી ગોપાલ.—રંગીલો.

રાધા દધી વેચવાને સાંયર્યાં,

તેડ્યો મનનો માનેલો સાથ.—રંગીલો.

જઈ કૃષ્ણજીવનને ભેટીએ,

એમાં શીતલ કીજે અંગ.—રંગીલો.

ગરબો ગાએ ને જે કોઈ સાંભળે,

તેની કૃષ્ણજી પૂરે આશ.—રંગીલો.

કર જોડીને કવિ એમ ભણે,

હું તો રાધાકૃષ્ણનો દાસ.—રંગીલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966