gowindji garbe ramya - Lokgeeto | RekhtaGujarati

ગોવિંદજી ગરબે રમ્યા.

gowindji garbe ramya

ગોવિંદજી ગરબે રમ્યા.

ગણપતિ ગુણને વર્ણવું, ગોવિંદના ગુણ ગાઉં;

ચરણ નમીને ગાઉં રે, નરોહર ગુણ કે’તાંજી. 1

ગુણ કે’તાં ગોવિંદજી કેરા, કવિતા કઈ પેરે ગાઉં?

ગોવિંદજી ગરબે રમીયા, તે રીતે હું ગાઉં. 2

આસો સુદ નવરાત્રિ પડવે, ઘેરઘેર ગરબા-હાર;

આભૂષણ વસ્ત્ર ધરીને રમવા, ટોળે મળી વ્રજનાર. 3

મુગ્ધા બાળા પ્રૌઢા પનોતી, પદ્મિની મુખે સુગંધ,

અંગે મૃગમદ કરે વાસના, પગલે કુંમકુંમ બંધ. 4

ચિત્રાંગી ચંચલ ગતિ ચાલે, બોલે મધુરી વાણી;

લક્ષણ બત્રીશે પૂરી લલના, વેદે તે વખાણી. 5

નાભિ ગભીરી ત્રિવલી ઓપે, ગજગતિ મંદગતિ કરતી;

નવલપણું જેને અંગે ઓપે, હસ્તિની હરિ-મન હરતી. 6

શ્યામા નવોઢા ચતુરા નારી, બહુ ગણવંતી ગોરી;

નેહ ભરી શું નંદ કુંવરને, નાગર નવલ કિશોરી. 7

... ... .... ....હરિને હેતે શું સુંદરી;

વસ્ત્ર કનક આભૂષણ પે’ર્યાં, અંગો અંગ ધરી. 8

અંગ આભૂષણ ધર્યાં ને શ્યામાં શિર ઢાળીને બોલે;

હીરા-રાખડી વેણી ઉપર, જયમ કોઈ મણિધર ડોલે. 9

શેષ ભરી સિંદૂરે સેંથો, જડાવ ટીલડી સોહે;

ઝાલ દામણી ઝળકે શ્યામા, મુનિવરનાં મન મોહે. 10

પદ્મરાગ કળિદંત ભામિની, કંઠ સકોટ સમારી;

કટેસરી ચંપકલી માળા, હાર હૈયે રહી ધારી. 11

કોરા કાજળે નેત્ર સમારી, કીર નાસિકા સો’તી;

અધર-બિંદુ ઉપર અતિ સોહે, નકવેસર ગજ-મોતી. 12

બાજુબંધ બેરખડા ખળકે, હળકે હૈયે હમેલ;

કનક કાંકણી ચૂડા કંકણ, મોંઘાં મરકત વેષ. 13

પાય ઝવેર ઝાંઝરીયે પેર્યાં, તોડા ઘૂઘર ઘોર;

છડા વાજણા, વળી વીંછીયા, અણવટડાનો સો’ર. 14

ઘરસાડી ઘરચોળી ચુંદડી, પોપટ-ભાત પટોળી;

તાસ તોરંગી, બંધ બાંધણી, ચંપાવરણી ચોળી. 15

તાર કનક કાંચળી કસીને, છાપ્યાં છાયલ પે’રી;

શીર્ષજા પણ કસી સમારી નવલી નવલી લે’રી. 16

સૈયર સંચરી સુંદરી, શીર ઉપર ગરબો ધરી, નન્દ તણે ઘર પરવરી,

ઉછરંગ અંગ માય, મનશું મોહનને વરી. 17

સૌએ મળી કહે ‘સુણોને માતા, ઘેરઘેર ગરબા ગાશું;

શણગારો તમે શ્યામસંદરને, રમવા તેડી જાશું.’ 18

જસોદા કહે, “મારો બીએ બાલુડો, રમે જોગણી રાત;

નોરતડાંમાં બાઈ! કેમ ધીરૂં? અમે આહીરડાંની જાત.” 19

સૌએ મળી કહે “સુણોને માતા, અમે કયમ અળગા કરશું?

પ્રાણજીવન અમને અતિ વા’લા, હેતે હૈયે ધરશું.” 20

જસોદાજી કહે, નંદજી પ્રત્યે, “કહાન કરે છે આડો;

ગરબે જાય ગોરણીયું સાથે, તમે કરશો ત્રાડો.’ 21

મોહન કે’, “માતાજી મારો, ગરબડીયો તો લાવો;

ઘુઘરા ઘાઘરી ઓઢણી અમને ચોળી સોત પે’રાવો.” 22

એમ કે’વાથી કાનકુંવરને, ભૂષણ વસ્ત્ર પે’રાવ્યાં;

સોના-ગરબો દીવો પ્રગટી, મંદિરમાંથી લાવ્યાં. 23

સેંથો ટીલી સર્વ સમારી ખાંતે ખોળે તેડી;

“મા મોઢાને મીઠાં કરું, તમે ગરબો લ્યો માથે, ધેડી.” 24

માથે ગરબો ધર્યો ને મોહન ડગમગ ડગમગ ચાલે;

માતા કે, “મા ખમા ખમા!”, ગોરણીયું ગરબો ઝીલે. 25

મોહન કે’, “માતાજી રહોને, હવે હું રમવા જાઉં;

વાંકો ચુંકો નથી જો તમે, સારી પેઠે થાઉં.” 26

વા’લા પુત્ર તમે વે’લા વળો’ કહી, હર્ષે આંસુ ઢાળે;

પરવરીયા પ્રભુ પ્રગટ થયા, ને ચંચળ ગતિએ ચાલે. 27

ચતુરા નારી ચોક ગઈ ને, રસભર રમવા લાગી;

મોહનજી ત્યાં મધ્ય રહ્યા ને ગગન-મંડળ રહ્યું ગાજી. 28

સુરલોકમાં શ્રવણ થયું ને, મા’વે માયા માંડી;

ઝળહળ નારીરૂપ પ્રકાશ્યું પુરુષપણાને છાંડી. 29

અતિ શોભે શ્યામનું મુખડું કોટિક ચંદ્ર પ્રકાશ.

આવ્યા નટવર-નૃત્ય નિરખવા અમરલોકથી આવ્યા. 30

મુખ જોઈ માનવીએ મૂક્યો, રૂપ તણો અહંકાર;

મહામનોહર અદ્ભુત કોઈ, સકલ લોકનું સાર. 31

મહા માનિની રૂપ જોઈ જોઈ, અતિશય આનંદ પામી;

બાલવૃદ્ધ ગોકુળીયું આવ્યું, ચરણે મસ્તક નામી. 32

“ધન ભાગ્ય અહીં” એમ કહીને, આશિષો બહુ દીધી;

તત્ક્ષણ રમવા ગોપવધૂએ, ગાગરીયો કર લીધી. 33

ફરતી સુંદરી સહુ ફરે, ને શ્યામા નૃત્ય નવું કરી;

ચૌદ લોકનું મન હરે, હરિ હેતે-શું ભરી. 34

ગગન મધ્ય ગરબાનું કૌતુક, સહુ સુરલોકે દીઠું;

કરે તે પુષ્પ તણી અતિવૃષ્ટિ, કે’ ગોકળીયું મીઠું. 35

‘વૈકુંઠથી વ્રજનારી વિશેષે.”— એમ કહે સુરનારી;

નંદજી અદકો નેહ ધરે, ત્યાં નૃત્ય કરે ગિરધારી. 36

બ્રહ્મ તાલ ને દીપક ચંપક, તાળી ને ત્રિવેદ;

સુગાન-પત્ની સામગાનના, નવલા નવલા ભેદ. 37

કોઈ કે’ જાણ કરો જશોદાને, જુએ તે ઝળહળ રૂપ;

નંદજી અદકો નેહ ધરે, ત્યાં ભૂતળ ભૂલ્યા ભૂપ. 38

એમ કહ્યું ત્યાં નંદ જશોદા, આવ્યાં છે તત્કાળ;

મહા ભીડ મંડાણી, “બેની, ક્યાં છે મારૂં બાળ?” 39

માલણીઓ ત્યાં કંઠે આરોપે, ઘણીક પુષ્પની માળ;

દીઠું રૂપ, માતાએ મંગાવ્યો, મુક્તાફળનો થાળ. 40

મોતીડે વધાની, હરિનાં આલિંગન ત્યાં લીધાં;

નાના-રૂપ થયા નરોહરજી, સૌનાં કારજ સીધાં. 41

ધન્ય ધન્ય રે ગોકુલ વ્રજવનિતા, ધન્ય ધન્ય નંદજીતાત;

જગજનની જેની કૂખે જન્મ્યા, ધન્ય ધન્ય જસોકા માત. 42

ધન્ય ધન્ય હરજી સંગે રમીઆ, ગોપ ગોવાળાં-હેડી;

માતા મોહન લાલજીને, તરત ગયાં ઘેર તેડી. 43

મોહન કે માનનીયું સુણો, “સરસ પણે કહું વાત;

હવે હું તમને રાસ રમાડીશ, શરદ પૂનમની રાત.” 44

મોહનનો જે ગરબો ગાશે, સાંભળશે નરનારી;

જે કોઈ ગાશે પ્રેમ ધરી, તેને સુખી કરે મોરારિ. 45

નવે નિધિ ને અષ્ટ મહા સિદ્ધિ, તે ઘેર રહેશે દાસી;

દુષ્ટ કર્મ, ને પાપ સમૂળાં, ક્ષણમાં જાશે નાસી. 46

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 70)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966