chuDlanun mulya - Lokgeeto | RekhtaGujarati

ચુડલાનું મૂલ્ય

chuDlanun mulya

ચુડલાનું મૂલ્ય

દવારકાં તમે હાલ્યા પ્રભુજી, દવારકાં કૃષ્ણજી,

હવે કે દી જોયેં તમારી વાટ જો!

કે’વાના તો મહિના ને દિવસ ઘણેરા થાય,

પણ અહિંયાં રે’શું બારે માસ જો!

તમ વિનાનાં અમે પ્રભુજી, અન્ન જળ નઈં લઈએ,

એક અંગોઠડી દેતા જાવ, દીનાનાથ જો!

જ્યેં જાદવ જનમિયા, તયેં અંગોઠડી હતી સાથે,

હવે તમે સાચવજો રાધા નાર જો!

ઓલ્યે કાંઠે ઊતર્યાં વા’લો, મણિયારાનો લીધો વેશ

એક પાદર બેઠા મોટા ભૂપ જો!

સાત સાત બેડાં ઉમાબે’નીએ, પોચાડ્યા પલ વારમાં,

એક આઠમે બેડે લાગી વાર જો!

સાંભળો તો હું કહું રાધાગોરી, તમને એવી એક વાત;

એક પાદર દીઠો રૂપાળો મણિયાર જો!

છુટી વેણી, ને છુટે ચોટલે, ગળે એકાવળ હાર જો;

એક આપણા કાનનો શું ભાર જો!

ચુડી પહેરાવે શોભતી, ને ચુડલા ભાતે ભાત;

એક હાલો તો કરીએં એનાં મૂલ જો!

બેસાવાના બાજોઠ લીધા, ઓછાડવાનાં આસનિયાં,

એક રાધાને માથે એટલો ભાર જો!

આવ્યાં સરોવર કાંઠડે, ને ઊભાં મણિયારા પાસ;

એક ચુડલડાની અમને હામ જો!

ચુડલા આપું શોભતા, ને એના નોખા નોખા રંગ;

એક મનગમતો તમને રાધા નાર જો!

રાતા રંગના ચુડલા, ને ગોરા રાધાજીના હાથ

એક પેરીને પૂછ્યાં એનાં મૂલ જો!

લાંખુમાં અમે શું લઈએ, શું કરીએ, શું કરીએ કરોડ જો;

જાયેં જંગલમાં, તો અમને લૂંટી જાય જો!

અમે કેવાયેં પરદેશી, ને અજાણ્યા દેશ;

એક અંગોઠડી આપો રાધા નાર જો!

મોર્ય હાલ્યાં ઉમાબે’ની ને વાંસે હાલ્યાં રાધા ગોરી;

એક ઈને વાંસે દીનાનાથ જો!

અઢી ડગલાં હાલ્યાં રાધાજી, પાછું વાળી જોઈ રિયાં;

રખે દવારકાં ગ્યા હોય દીનાનાથ જો!

જ્યેં જાદવ જનમિયા, તયેં અંગોઠડી હતી એની પાસ;

એક અંગોઠડી મારી આપો રાધા નાર જો!

હું ને મારી ઉમા બેની, જમનાંજીનાં ઝીલવા ગ્યાં’તાં.

એક અંગોઠડી ખોવાણી જળમાંય જો!

ઊંડા જળ તો આછાં કરાવું, કાંઠે રોપાવું કદમ ઝાડ;

જળમાં પડીને, શોધો રાધા નાર જો!

મોર્ય પડ્યાં ઉમાબેની, ને એની વાંસે પડ્યાં રાધા નાર,

એક એની વાંસે પડ્યા દીનાનાથ જો!

પુરૂષ કેરી છાતીયેં મતિ, ને અસતરીની પાનીએ,

હવે જળમાં માની જાવ, તમે રાધા નાર જો.!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968