meru rawayo - Lokgeeto | RekhtaGujarati

મેરૂ રવાયો

meru rawayo

મેરૂ રવાયો

હરણ્યુ ઊગી રે ઊતાવળી, મસ્તકે ઊગ્યો છે તારો,

વરત કરીએ એકાદશી, જઈને જમના નાંયે!

નાવા જાયેં જળ જમના, સોળ સૈયરૂંની સાથે,

વસતર ઊતારી મેલ્યાં કાંઠડે, માથે મૂક્યો છે હાર.

હાર હરિ ગયો વિઠલો, ચડ્યો ચંપાની ડાળ્યે,

હાર આલો ને વિઠલા, પેરી પિયરિયે જાયેં.

નથી રે લીધો ગોપી, હારલો, ખોટાં આળ શું બોલો?

અગની બળે સાચા હેમની, સાચા સમ ખવરાવો,

કોરી રે મગાવો રાધા ગાગરડી, તેમાં નાગ નચાવો,

નાગનાં તી કીધાં વા’લે નેતરાં, સાત સમદરની છાશું;

આંભની તી કીધી વાલે ગોળિયું, મેરૂ પરવત રવાયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968