gokulni gowalni - Lokgeeto | RekhtaGujarati

ગોકુળની ગોવાળણી

gokulni gowalni

ગોકુળની ગોવાળણી

ગોકુલની ગોવાલણી રે, મહી વેચવાને જાય,

આડા ફર્યા કુંવર કાનજી, હો કાનુડા, લાગું તારે પાય;

મેલોને મોહન મટકી.

મેલોને મોહન મટકી રે, મારાં મહીડાં છલકાય,

ભીંજે મારી નવરંગ ચુંદડી, હો કાનુડા, લાગું તારે પાય;

મેલોને મોહન મટકી.

ધોળાં ધોબી ધુવે ધોતિયાં રે, ધોળી બગલાની પાંખ,

ધોળાંનો સંગ નવ કરીયેં, ધોળાં માણસ ધુતારાં હોય;

મેલોને મોહન મટકી.

ગોકુલની ગોવાલણી રે, મહી વેચવાને જાય,

આડા ફર્યા કુંવર કાનજી, હો કાનુડા, લાગું તારે પાય;

મેલોને મોહન મટકી.

મેલોને મોહન મટકી રે, મારાં મહીડાં છલકાય,

ભીંજે મારી નવરંગ ચુંદડી, હો કાનુડા, લાગું તારે પાય;

મેલોને મોહન મટકી.

કાળાં ખેતર વન ખેડીયેં રે, કાળા તલ ચોરાય,

કાળાંનો સંગ નવ કરીયેં, કાળાં માણસ કામણગારાં હોય;

મેલોને મોહન મટકી.

મેલોને મોહન મટકી રે, મારાં મહીડાં છલકાય,

ભીંજે મારી નવરંગ ચુંદડી, હો કાનુડા, લાગું તારે પાય;

મેલોને મોહન મટકી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968