kon waDun? - Lokgeeto | RekhtaGujarati

કોણ વડું?

kon waDun?

કોણ વડું?

ધનદા, પહેલું તે કુળમાં કોણ વડું?

ધનદા, એક બ્રહ્મા ને બીજા વિષ્ણુ :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, બ્રહ્માએ તે સૃષ્ટિ રચાવેલી,

ધનદા, વિષ્ણુએ તો મેલેલા અંશ :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, બીજું તે કુળમાં કોણ વડું?

ધનડા, એક આભ અને બીજી ધરતી :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, આભે તે મેહુલા વરસાવિયા,

ધનદા, ધરતીએ તો ઝીલેલાં નીર :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, ત્રીજું તે કુળમાં કોણ વડું?

ધનદા, એક માતા ને બીજા તાત :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, માતાએ તો જનમ ધરાવીઓ,

ધનદા, તાતે તે લડાવેલા લાડ :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, ચોથું તે કુળમાં કોણ વડું?

ધનદા, એક સાસુ ને બીજા સસરા :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, સાસુએ તે ભરથાર સોંપીઆ,

ધનદા, સસરાની તો આપેલી લાજ :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, પાંચમું તે કુળમાં કોણ વડું?

ધનદા, એક દંત ને બીજા કંથ :

સભા રંગ જીત્યા પાંડવો.

ધનદા, દંતના તો ચુડીલા વે’રાવીઆ,

ધનદા, કંથના તો સોળ શણગાર :

સભા રંગ જીત્યા પાંડવો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 275)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968