tilDi - Lokgeeto | RekhtaGujarati

ટીલડી

tilDi

ટીલડી

વનમાંથી ઓધવજી આવ્યા, રાધા રોતાં દીઠાં જી રે;

સીદ રૂવો મારી રાધા માનેતાં, તમને કોણે દુભાવ્યાં જી રે.

માનેતીને ફૂલવાડી, ને અમને પાખડના’લી જી રે;

કોરે કમખે ભરત ભરાવું, માંડી ફૂલવાડી રચાવું જી રે.

આશોપાલવના ઝાડ રોપાવું, ત્યાં તારા હિંચોળા બંધાવું જી રે.

એરે હિંચકે કોણ કોણ હિંચકે, કોણ હિંચોળો નાખે જી રે;

કૃષ્ણ હિંચકે ને બળભદ્ર હિંચકે, રાધાજી હિંચોળે જી રે.

સૂરત શહેરના સોના મંગાવું, તેની તારી ટીલી ઘડાવું જી રે;

માણેક શહેરનું મોતી મંગાવું, તેની તારી ટીલી ઘડાવું જી રે.

હળિયાદ શહેરનો હીરો મંગાવું, તેની તારી ટીલી જડાવું જી રે;

કોણ ઘડશે ને હીરા કોણ જડશે, મોતી કોણ પરોવશે જી રે.

રામ ઘડશે ને લક્ષ્મણ જડશે, પરશોતમ મોતી પરોવશે જી રે;

ક્યાં બેસી ઘડશે ને ક્યાં બેસી જડશે, ક્યાં બેસી પરોવશે જી રે,

ગોકુળમાં ઘડશે ને મથુરામાં જડશે, પ્રાગમાં બેસી પરોવશે જી રે.

ટીલી ચોડી રાધા મંદિરે ચાલ્યાં, સાસુજીને પાય લાગ્યાં જી રે;

સાસુ તે રઈને એમ બોલ્યાં, કોણે તારી ટીલી ઘડાવી જી રે.

બાઈજીને બેટે, નણદીને વીરે, તેણે મારી ટીલી ઘડાવી જી રે;

બાળ્યાં એવાં બળજો વહુજી, ઠાર્યા એવાં ઠરજો જી રે.

ભીતર માયલા ભડકા ઊઠ્યા, તાપ બળે મારા તનમાં જી રે;

સંભારૂં તો સળગી ઉઠું, મનની વાતું મનમાં જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 260)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ધીરજલાલ ડી. જોગાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966