kyan rami awyan - Lokgeeto | RekhtaGujarati

ક્યાં રમી આવ્યાં

kyan rami awyan

ક્યાં રમી આવ્યાં

અંધારી ઓરડીમાં નાગજી પોઢ્યા, નાગરાણી નાનું બાળ મારા વા’લા!

ઝેડી ઝંઝેરીને નાગજી જગાડ્યા, મેલો તો રમવા જાઈ મારા વા’લા!

આપણા મંદિરિયામાં સોળ સેં ગોપી, પરઘેર રમવા તો જાઈં મોરી ગોરી.

(રાગ ફેર)

વારી વારી હું થાક્યો તોયે તને અક્કલ નો આવી જી રે.

હમણાં કાંજળ આંજ્યાં’તા ને કાંજળ ક્યાં લોવાણાં જી રે.

વનરાવનને મારગ જાતાં, સામા મળ્યાં મા બાપ જો,

મા બાપ દેખી આંસુ આવ્યું, કાંજળ ત્યાં લોવાણાં જી રે.

સાંભળને મારી સજની નાર, વૃજમાં ક્યાં રમી આવ્યાં જી રે.

હમણાં સાડી પહેરી’તી ને ચીર ક્યાં ચોળાણાં જી રે.

વનરા વનને મારગ જાતાં, સોળસે ગોપીઓ મળીયાં જી રે.

સોળસેં ગોપીએ છેડો ઝાલ્યો, ચીર ત્યાં ચોળાણાં જી રે.

સાંભળને મારી સજની નાર, વૃજમાં ક્યાં રમી આવ્યાં જી રે.

હમણાં ચૂડી પહેરી’તી ને, ચૂડી ક્યાં નંદવાણી જી રે.

વનરાવનને માગર જાતાં, સોળસેં ગોપી રમતાં જી રે.

ગોપીઓ સાથે રાસ રમતાં, ચૂડી ત્યાં નંદવાણી જી રે.

સાંભળને મારી સજની નાર, વૃજમાં ક્યાં રમી આવ્યાં જી રે.

હમણાં ઝાંઝર પહેર્યા’તાં ને, ઝાંઝર ક્યાં ખોવાણાં જી રે.

વણઝારો તો લૂંટી ગયો ને, ઝાંઝર ત્યાં ખોવાણાં જી રે.

સાંભળને મારી સજની નાર, વૃજમાં ક્યાં રમી આવ્યાં જી રે.

હમણાં ટીલી ચોડી’તી ને, ટીલી ક્યાં નંદવાણી જી રે.

વનરાવનને માગર જાતાં, સામે મળ્યાં ભાઈ ભોજાઈ જી રે.

ભોજાઈ દેખી હેત આવ્યાં, ટીલી ત્યાં નંદવાણી જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 264)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ધીરજલાલ ડી. જોગાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966