bhilDi - Lokgeeto | RekhtaGujarati

ભીલડી

bhilDi

ભીલડી

આંબું જાંબુ શીતણ છાયા મઢીયે રમત માંડી જી રે.

એક તો ભીલી રાણી ને હાથમાં સાવરણો ઝાલ્યો જી રે.

કેડે લીધો સુંડલડો ને વન વાળવાને ચાલ્યાં જી રે.

ઉગમણા વાસીદાં વાળ્યાં, આથમણી રજ ઉડી જી રે.

ત્યાં તો તપિયો તપ લઈ બેઠો, વનમાં નારી દોડી જી રે.

કોણ છો જાતની, કોણ છો ભાતની, કીયા કારણિએ આવી જી રે?

જાતની છું કોળણ, ભાતની છું ભીલડી, ભીલડા વિજોગ આવી જી રે.

આવોને ભીલી રાણી અમારે શરણે, અમે તમોને વરિયે જી રે.

તમારે શીવજી, ગંગા પારવતી, ભીલડીને શું કરશે જી રે?

પારવતીને પિયર વળાવું, ગંગા તારી દાસી જી રે.

તમારે શીવજી, ખાવાના ટૂકડા, તેને અમે શું કરીએ જી રે?

ટાઢા ટુકડા દૂર કરાવું, મોતૈયા લાડુ વળાવું જી રે.

તમારે શીવજી, જંગલમાં ઝૂંપડાં, તે દેખી અમે ડરીએ જી રે.

જંગલમાં ઝૂંપડાં દૂર કરાવું, રંગમે’લ દેવળ ચણાવું જી રે.

તમારે શીવજી, ચડવા પોઠિયા, તે દેખી અમે ડરીએ જી રે.

ચડવા પોઠીઓ દૂર કરાવું, હાથી ઘોડા વસાવું જી રે.

તમારે શીવજી, મોટી જટાયું, તે દેખી અમે ડરીએ જી રે.

મોટી દટાને દૂર કરાવું, બાલા ચોટી વળાવું જી રે.

પારવતીએ રૂપ પ્રકાશ્યાં, ભોળીયા નાથ શરમાણા જી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 263)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ધીરજલાલ ડી. જોગાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966