nanand bhojai - Lokgeeto | RekhtaGujarati

નણંદ-ભોજાઈ

nanand bhojai

નણંદ-ભોજાઈ

નણંદ ને ભોજાઈની છે સરખે સરખી જોડ,

સરખે સરખી જોડ,

નણંદ ને ભોજાઈ પાણીડાં સંચર્યાં રે લોલ!

ભાભી મોરી રે, પાણીડાં જાવ,

પાણીડાં જાવ;

પાળે તે ઊભો જોગી જોગટો રે લોલ!

નણદી મોરી રે, ચાલો આપણ સાથ,

ચાલો આપણ સાથ;

પાલે ઊભો જોગી આપણને શું રે કરે રે લોલ!

નણદી મોરી રે, જુઓ જોગીનાં રૂપ,

જુઓ જોગીનાં રૂપ;

તમારો વીરો છે જરાક શામળા રે લોલ!

ભાભી મોરી રે, જાવ જોગીની સાથ,

જાવ જોગીની સાથ,

શામળિયો વીરો ભલે મારે ઘેર રહ્યા રે લોલ!

નણદી મોરી રે, આલું હૈયાનો હાર,

આલું હૈયાનો હાર;

રખે તો સંભળાવતી તારા વીરને રે લોલ!

ભાભી મોરી રે, બળ્યો હૈયાનો હાર,

બળ્યો હૈયાનો હાર;

જઈને સંભળાવું મારા વીરને રે લોલ!

વીરા મોરા રે, બાંધો ઘમ્મરિયાળી કેડ

બાંધો ઘમ્મરિયાળી કેડ;

ભાભી તો ચાલી રે જોગી જોગટે રે લોલ!

વીર મારે બાંધી ઘમ્મરિયાળી કેડ,

ઘમ્મરિયાળી કેડ;

જઈને સાહ્યાં છે ભાભી વડોદરે રે લોલ!

ગોરી મોરી રે, ચાલોને આપણ ઘેર,

ચાલોને આપણ ઘેર;

કોના તે રિસામણે તમે નીસર્યાં રે લોલ!

સાંભળો મારી સગી નણંદના વીર,

સહી નણંદના વીર;

નણદીનાં રિસામણે અમે નીસર્યાં રે લોલ!

ગોરી મોરી રે, ચાલો આપણે ઘેર,

ચાલોને આપણે ઘેર;

બેનીને વળાવશું એને સાસરે રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959