hari has - Lokgeeto | RekhtaGujarati

હરિ-હાસ

hari has

હરિ-હાસ

શિવસુતને રે ચરણે નમું;

તો ગવરીનો ગજાનન રે.

સરસ્વતી માત કૃપા કરો;

હરિ હાસ થાય રે આનન્દ રે. 1

“હરિ હાસ” કહ્યાના મને કોડ પૂરણ;

મા! વાણી મધુરી રે દીજીએ;

પ્રસન્ન થાજો મુજ માવડી;

બ્રહ્મકુંઅરી! કરુણા કીજીએ. 2

પૂર્ણાનન્દ પ્રગટ્યા પરમેશ્વર;

ભૂતલ ભાર ઉતારવા,

ભક્તજનનાં કામ કરવા;

દૈત્યકુળ સંઘરવા. 3

વસુદેવ તાત, માત દેવકી;

બલભદ્ર ભ્રાત ભગવાન તણા.

દ્વારકા તે નગર સોહામણું;

મોહોટાં મંદિર તણી તહાં નહિ મણા. 4

દ્વારકાની શોભા શી કહું?,

ફણીશેષ કહેવા સમસ્થ નથી.

વૈકુંઠથી સોહામણું;

કેમ કહું એક જીભે કથી? 5

સોળ સહસ્ર રાણી, ને અષ્ટ પટરાણી;

સૌમાં તે શ્રેષ્ઠ શ્રી રુક્મિણી.

સૌથી તે વહાલી વૈશ્નવી;

રાખી રમા હૃદે વૈકુંઠ ધણી. 6

એક સમેને રે કારણે;

સેજે સૂતા હુતા તાંહાં શ્રી હરિ:

ચરણ તળાંસે રાણી રુક્મિણી;

ઘણું આનન્દે હેતે કરી. 7

માધવને મનછા રે વાધી;

“હાસ કરું રે રાણી રુક્મિણી.”

માનિનીનું તાહાં મન જોવાને;

વચન બોલ્યા વૈકુંઠ ધણી. 8

કૃષ્ણ કહે રે “સુણો કામિની!

શિશુપાળ વર તમે નવ વર્યો

ગજગામિની! ગોવાળ પામ્યો;

એવો જોગ વિધાતાએ કર્યો! 9

શિશુપાળ ગોરા અમે શામળા;

તમો ભીમકસુતા સોહામણાં;

નગ્રપતિ શિશુપાળ કહાવે,

ને અમારે ગોકુળ ગામડાં! 10

શિશુપાળને ઘોડાં ઘણાં;

ગજ રથ વેહેલ્યો ને પાલખી.

અમારે ગાયો, ગરુડ બેસણ;

અર્જુનના રે અમો સારથી! 11

આભરણ ઘણાં રે શિશુપાળને;

મણિ માણેક મોતીની માળ છે.

પોંહોંચા સાંકળીયાં ને વેઢ અંગૂઠીયાં;

વળી મરકતના કાને ઝાલ છે. 12

મોરપિચ્છના રે મુગટ અમારે;

ગળે ગુંજાના હાર છે:

તિલક છાપાં તુલસીની માળા

એવા અમારે શણગાર છે. 13

શિશુપાળ ઓઢે રે શાલ દુશાલા,

પાઘ પટકો ને પામરી;

અમારે પહેરણ પીળાં પીતાંબર,

ખાંધ નાખવાને કામળી! 14

જમણ ઝાઝાં રે શિશુપાળને;

પકવાન જોતા-જાતનાં;

શીરો પૂરી, ને વડાં વેડમી;

શાક પાક ભાત-ભાતનાં. 15

છબીલાને છાશ ઝાઝી;

ઘેંશ રૂડી રાખડી,

મન ભાવે તો મહી ખાવાને;

દૂધ દોહવાને ગાવડી. 16

દ્રવ્ય ઝાઝાં શિશુપાળને;

મોહોટો મહિપત રાજીઓ,

અમે ગાયોના ગોવાળીયા;

અમને ભાવે વિદુરની ભાજીઓ.” 17

વચન સાંભળીને વિસ્મે પામ્યાં;

સતી શિરોમણી સુન્દરી,

“વાંક અમારો શું છે? સ્વામિ!

આવડું દૂભાણા શ્રી હરિ? 18

મન વિચારે માનની;

સીતાને મૂક્યાં રે વનવિખે!

રાધાને મૂકી એકલી;

વહાલો વિસારતા મુજને રખે! 19

હું તો દીન દાસી તમતણી;

અપરાધ શો છે? રે નાથજી!

વણ—અપરાધે વાત આવડલી;

કારણ કોહોની કાહાનજી?” 20

મુખે બોલે તો બોલાય નહિ, ને;

નયણેથી આંસુ ઢળ્યાં!

ચરણે તે ધરણી ખોદતાં;

પછે મૂરછા ખાઈ પૃથવી પડ્યાં. 21

ધરણી તે ધસીયાં ને આભરણ ખસીયાં;

પડીયાં તે રાણી રુક્મિણી;

વચન હાડો હાડ લાગ્યું;

જયમ ડસ્યો રે કાળો ફણી! 22

કમલ વદન કરમાઈ ગયાં ને;

શિથિલ થયાં સ્વામિની!

શુદ્ધ રહી શરીરની,

પછે ભ્રાત ભાગી ભામિની. 23

હરિએ ઊઠીને ઓછુંગે લીધાં;

“હાસ કર્યુ રે મે તો સુંદરી!”

હૃદે સાથે ચાંપીયાં, પછે

સમ ખાઈ કહે શ્રી હરિ! 24

“માહારા સમ જો સુંદરી!

મહારા પ્રાણતણો રે આધાર છો!

“હૃદે સંઘાથે રાખું રામા!

સૌમાં શિરોમણિ નાર છો!” 25

હરિ તે હાથે પુષ્પ સમારે,

ને વેણી ગૂંથે નાથજી!

ઓછંગથી નવ કરે અળગાં:

મુખ લૂછે મોરારજી. 26

“રમણ કરતાં રાહાડ થાશે;

આવડું મેં નવ જાણીઉં;

હદે—સંઘાથે રાખ્યાં રામા!

તોયે તમે કેમ માનીઉં? 27

સજ્જ થાઓની તમે સુંદરી!

કોમલ માહારી કામિની!

[ચતુર્ભુજને ચિંતા રે વાધી;]

મુજ સાહામું જુઓની ભામિની!” 28

રુક્મિણીને સમરણ આવ્યું:

આંખ ઉઘાડીને ભાળીઉં!

લજ્જા તે પામ્યાં પ્રેમદા;

પછે નીચું નિરખીને નિહાળીઉં, 29

પ્રાણ પતિને પાય લાગ્યાં;

ચરણે તે શીશ નમાવીઉં!

“સત્ય કહ્યું રે તમે સ્વામિ મારા;

[કમળા કહે] કારણ લહ્યું. 30

અમો ભીમકસુતા તમો વિશ્વપતિ;

હું તો ભાગ્યવંતી નહિ આવડી.

શુદ્ધ મને મેં સેવ્યા શંભુ;

મેં તો પૂજ્યાં અંબા માવડી. 31

તે પુન્યે રે હું પાપી પ્રભુજી!

દરશણ દુર્લભ દેવને.

મમ સ્વામિ! તમો વિશ્વપતિ;

કરે સનકાદિક તમ સેવને. 32

સત્ય તણા રે શણગાર પ્રભુજી;

વિશ્વના રે વસન ધર્યા;

ભક્તજનનાં કોટે માદળિયાં;

એવાં આભરણ અંગે સર્યાં. 33

વિશ્વપતિ રે પશુપાલ પ્રભુજી;

સમરથ છો તમે શ્રી હરિ!

સ્વર્ગ; મૃત્યુ પાતાળ પ્રભુજી

રાખ્યા ઉદરમાં ધરી. 34

ભક્ત માટે ભિક્ષા રે માગો,

વામન રૂપે જાચીયાં;”

ભક્ત—આધીન ભૂધરા!

બલિ-દાન દેખી રાચીયા! 35

અસત્ય નહિ લવલેશ સ્વામિ!

સત્ય બોલ્યા શ્રી હરિ,

ભેદ ભાગ્યો ભૂધરા!”

—એમ સમ ખાઈ કહે સુંદરી. 36

રીસ નહિ લવ લેશ;

નારી મીઠાં વચન બોલે છે ઘણાં;

સ્વામીને સારું મનાવે;

મુખ વચન ઝરે છે અમૃત-તણા. 37

રાહાડ ભાગી ને આનંદ વાધ્યો;

અંગે રંગે બેહું મળ્યાં;!

વાહાલની વાધી વેલડી;

જ્યમ દૂધ ને સાકર ભળ્યાં! 38

હરિહાસ-ક્રીડાનો મહિમા મોહોટો;

સંક્ષેપે સંભળાવીઉં

દશમ-સ્કંધ માંહે છે વિસ્તારે;

ગતિ પ્રમાણે રે ગાઈઉં. 39

સંવત અરાઢ સીતોતેર કહાવે;

ઉત્તમ શ્રાવણ માસમાં;

કૃષ્ણપક્ષ રવિવારે;

“હરિ-હાસ” ગાયો ઉલ્લાસમાં 40

ગાય શીખે ને સાંભળે;

સહાય થાય કૃષ્ણ ને રુક્મિણી;

સેવક શરણે રાખો શામળીયા!

વિશ્વ વૈકુંઠના ધણી. 41

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 68)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964