awanchanDino garbo - Lokgeeto | RekhtaGujarati

અવણચંડીનો ગરબો

awanchanDino garbo

અવણચંડીનો ગરબો

ગોરમા! હું લાગુ છૂં પાય કે કહૂ કરજોડી કરગરી રે લોલ :

ગોરમા! મુને દેજો નાર સનાર કે રૂપે ગુણે આગલી રે લોલ –ગોરમા.

ગોરમા! શેં પાપે પામ્યો એહેવી નાર કે, મહા દુર્ભાગણી રે લોલ :

ગોરમા! કેવા રાંક ભીખારી આવે બહાર કે, તેને નવ આપે મુઠડી રે લોલ—

ગોરમા! રૂપે જાણીએ કોયલવર્ણી કે ઊંચી તાહારે ઊંટડી રે લોલ :

ગોરમા! હું કહૂં રાંધે સાલ કે દાલ કે ત્યારે ચડાવે ઘેંસની તાવડી રે લોલ :

ગોરમા! ઘેર હું કહૂં પાલ આચારકે ત્યારે કરે ઘણો અનાચાર રે લોલ :

ગોરમા! હું માગું ધૃત સાર કે ત્યારે ક્રોધ ઘણો કરે રે લોલ—

ગોરમા! હુંને સરજાવ્યો ખાનાર પીનાર કે, સરજાવી સૂમડી રે લોલ :

ગોરમા! હું માગુ પાન સોપારી એલચી કે ત્યારે પાડે બૂમડી રે લોલ :

ગોરમા! મારા કાળાને લાંબા કેશ કે તેલ ફલેલ ચુવે રે લોલ :

ગોરમા! હેનો ચોલો જાણીએ ગધેડીનું પૂછ કે માંહથી જૂઓ ખરે રે લોલ :

ગોરમા! મહારાં વસ્ત્ર વિવેક કે જેમાંથી સુવાસ ઘણ રે લોલ :

ગોરમા! એહેનાં વસ્ત્ર દીસે છે ઘાગા કે તેમાં દુર્વાસ ઘણી રે લોલ—

ગોરમા! હું ખટ ધરમ પાલુ તે તો એને નવ ગમે રે લોલ :

ગોરમા! દિવસ આથમ્યે નાહ્ય કે કુલ ધરમ લેહે નહીં રે લોલ :

ગોરમા! સહૂને આપો મૃગનેણી નાર કે મને ગજનેણી મળી રે લોલ :

ગોરમા! અવતરીને આજદિન કે નોહોતી જોઈ શંખણી રે લોલ :

ગોરમા! કરમના ભોગ સંજોગ કે આવી પાલવે પડી રે લોલ :

ગોરમા! પરોઢીએ રજસ્વલા થાય કે કેહે હું રાતે થઈ રે લોલ :

ગોરમા! ત્રીજે દિન જલ ભરવા જાય કે કુલ ધરમ લેહે નહિ રે લોલ :

ગોરમા! સંસારમાં છે દુ:ખ કે બહુ વિધવિધતણાં રે લોલ :

ગોરમા! જેને ઘેર કુભારની નાર કે તેથી દુ:ખ કે નહીં રે લોલ :

ગોરમા! અઢી શેર પાકુ ખાય કે કેહે મૂને ભાવ્યૂં નહીં રે લોલ—

ગોરમા! પેટમાં પડી છે સલાય કે કેહે વેષા ઘરધણી રે લોલ :

ગોરમા! હું હેને ઘરેણાં ઘડાવું કે તે તો એને નવ ગમે રે લોલ—

ગોરમા! કેહેશે સોનાર ખાઈ જાય કે તંમો કાંઈ સમજો નહીં રે લોલ :

ગોરમા! હેવી અવળચંડી નાર કે નોહોતી જોઈ નવ ખંડમાં રે લોલ—

ગોરમા! શેં પાપે મુને નાખ્યો કે એહેના ફંદમાં રે લોલ :

ગોરમા! મારે આવે માત પિતાનો દિન કે સંવછરી શ્રાધનો રે લોલ :

ગોરમા! લેઈ ઘાલે ગધેડાને પંડ કૈ એથી જનમારો બળ્યો રે લોલ :

ગોરમા! હું લાવું, કસબી ચીર કે ઓઢું હું પામરી રે લોલ—

ગોરમા! ત્યારે કરડવા ધાય કે જાણીએ હડકાઈ કૂતરી રે લોલ :

ગોલમા! પાસે રહે પડોસી કે ઉતંમ જાતનાં રે લોલ—

ગોરમા! તેની સાથે અહરનિશ વઢે કે સુખે રેહેવા દે નહીં રે લોલ :

ગોરમા! માહારે રાખ્યૂં જોઈએ ઘોડુ કે ગાડી કે તે તો એને નવ ગમે રે લોલ :

ગોરમા! ખાઈ જાયે ઘરબાર કે એહેનૂં ઘોડુગાડી ફાટી પડે રે લોલ :

ગોરમા! એહેનો નથી કાંઈક વાંક કે વાંક માહારા કરમનો રે લોલ—

ગોરમા! પેલે ભવ નથી પૂજ્યા ઉંઅીસાનાથ કે તે થકી એહેવી મળી રે લોલ :

ગોરમા! કેહે છે દાસ વલ્લભ કરજોડી કે તમને ફરી ફરી રે લોલ—

ગોરમા! સાત જનમ રાખજો કુંઆરો અવતાર કે એહેવી નવ આપશો ફરી રે લોલ :

ઈતિ શ્રી અવળચંડીનો ગરબો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963