anun - Lokgeeto | RekhtaGujarati

આણું

anun

આણું

આવ્યા રે મારા વીરોજી આણે આવ્યા,

મોકલો તો બાઈજી મહિયરીએ જઈએ,

નહિતર રે મન વાળીને રહીએ.

જેટલા રે કોઠિયુંના રે ઘઉં,

એટલા રે વઉજી દળીને જાજો,

નહિતર રે મન વાળીને રહેજો.

એટલા રે બાઈજી દળ્યા દળાય,

મોકલો તો બાઈજી મહિયરીએ જઈએ,

નહિતર રે મન વાળીને રહીએ.

જેટલાં રે વઉજી સીમોનાં ખડ,

એટલાં રે વઉજી વાઢીને જાજો,

નહિતર રે મન વાળીને રહેજો.

એટલાં રે બાઈજી વાઢ્યાં વઢાય,

મોકલો તો બાઈજી મહિયરીએ જઈએ,

નહિતર રે મન વાળીએ રહીએ.

જેટલાં રે વઉજી નદીઓનાં નીર,

એટલાં વઉજી ભરીને જાજો,

નહિતર રે મન વાળીને રે’જો.

એટલાં રે બાઈજી ભર્યાં ભરાય,

મોકલો તો બાઈજી મહિયરીએ દઈએ,

નહિતર રે મન વાળીને રહીએ.

(ભરચોમાસે છેવટે સાસુ મોકલે છે : નદીનાળાં ઊભરાઈ ચાલ્યાં છે.)

આવ્યાં રે ગામ ગામનાં પાણી,

આવ્યાં રે સીમ સીમનાં પાણી,

નદીયું રે ઊભરાઈ કાંઠા સમાણી.

વીરા રે હું તો ઊંચામાં ઊંચી,

પલળે રે મારી કેડની કૂંચી.

પલળે તો બે’ની પલળવા જેડો,

હમણાં રે જઈ માબાપને મળજો.

વીરા રે હું તો કાળામાં કાળી,

પલળે રે મારી નાકની વાળી.

પલળે તો બે’ની પલળવા દેજો.

હમણાં રે જઈ માબાપને મળજો.

આવ્યાં રે ગામ ગામનાં પાણી,

આવ્યાં રે સીમ સીમનાં પાણી,

લઈ ગ્યાં રે ભાઈ બે’નને તાણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959