kanban - Lokgeeto | RekhtaGujarati

કણબણ

kanban

કણબણ

ઘોડે બેસીને ગોવિંદ પધાર્યા ચાલ્યા નગરી જોવા જી રે,

નગરી જોઈને પાછા ફરતાં કણબણ રાણી દીઠાં જી રે.

નવાનગરની કુંવારી કણબણ ગરબે રમતાં દીઠી જી રે,

બાપુ રે મને એની રઢ લાગી, કણબણ સાથ પરણાવો જી રે.

દીકરા રે તારી સોળસેં રાણી ને કણબણમાં શું મોહ્યા જી રે,

સોળસેં રાણી ભરશે પાણી, કણબણ ઘર ઠકરાણી જી રે.

સોળસેં રાણી પાણી ભરવા ગઈ’તી ને સોળસેં ગાગર ફોડી જી રે,

કણબણ રાણી પાણી ભરવા ગઈ’તી ગોળ ગાગરિયું બેડું જી રે.

સોળસેં રાણી ભેંસ દોવા ગઈ’તી ને સોળસેં દોણી ફોડી જી રે.

કણબણ રાણી ભેંસ દોવા ગઈ’તી ઠેસે પાડરાં વાળ્યાં જી રે.

સોળસેં રાણીઓ ચાર લેવા ગઈ’તી, સહુએ આંગળાં કાપ્યાં જી રે,

સોળ વીઘાંના શેઢા રે વાઢ્યા, એક ભારો બાંધ્યો જી રે.

એવી તો કણબણ ધાગડ-ધીંગી ઠેબે ભારો ઉપાડ્યો જી રે,

ચાર લઈને ઘરમાં આવતાં ઠેબે ઝાંપો ખોલ્યો જી રે.

બાર માણીની ખીચડી રે રાંધી, તેર ઘાણીનાં તેલ જી રે,

સાસુ ને વહુ બેઉ જમવા બેઠાં, વહુ અધૂરાં ઊઠ્યાં જી રે.

સવા તે મણની ધાણી ફોડી, હરતાં ફરતાં ખાધી જી રે,

કૂવા તળાવે વાતો કરે કણબણ, ભૂખે ભમરી આવે જી રે.

રસપ્રદ તથ્યો

આ ગીત સુરત જિલ્લામાં દરિયાકાંઠાના કોળી સમુદાયમાં ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959