maDham - Lokgeeto | RekhtaGujarati

મઢમ

maDham

મઢમ

ઘનશ્યામભાઈ મુંબઈ શહેર ગ્યાં’તાં માતા માલણ રે.

મુંબઈ શે’રથી મઢમ પરણી લાવ્યા, માતા માલણ રે.

મઢમ તો પલંગ ઉપર સૂવે, માતા માલણ રે.

લાડી વહુ પાંગતિયે પછડાયાં, માતા માલણ રે.

મઢમ તો શિરાપૂરી જમે, માતા માલણ રે.

લાડી વહુ ટાઢા ટુકડા ચાવે, માતા માલણ રે.

મઢમ તો નળે નાવા જાય, માતા માલણ રે.

લાડી વહુ ખાબોચિયે અથડાવે, માતા માલણ રે.

લાડી વહુ ધ્રુસકે ધ્રુસકે રોવે, માતા માલણ રે.

ઘનશ્યામભાઈ ધોતિયે આંસુ લૂવે, માતા માલણ રે.

રો મા રો મા, રો મા ગાંડી, રો મા, માતા માલણ રે.

નવીને નવ દિવસની શોભા, માતા માલણ રે.

રસપ્રદ તથ્યો

નવરાત્રમાં નાની બાળાઓ ગાય છે એવું આ ગીત શારદાબેન ડોડીયા પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968