jhan wage chhe - Lokgeeto | RekhtaGujarati

ઝણ વાગે છે

jhan wage chhe

ઝણ વાગે છે

એક ઊંચી તે મેડી ઊજળી,

એના વાદળિયાં કમાડ; રે ઝણ વાગે છે.

ત્યાં ચડી ક્યા ભાઈ પોઢશે?

ક્યાં વહુ ઢોળે વાય રે ઝણ વાગે છે.

ત્યાં ચડી અજીતભાઈ પોઢશે,

મરઘાવહુ ઢોળસે વાય; રે ઝણ વાગે છે.

વહુને હાથે વછૂટ્યો વીંઝણો,

વીરને મુખ વછૂટી ગાળ : રે ઝણ વાગે છે.

વહુ મરઘાવહુ તે હાલ્યાં રૂસણે,

એને કોણ મનાવા જાય? રે ઝણ વાગે છે.

નણંદ હંસાબા મનાવા જાય, રે ઝણ વાગે છે.

બા, તમારી વાળી નહિ વળું,

બા, આવે તમારા વીર; રે ઝણ વાગે છે.

વીરે લીધો પરોણો હાથમાં, રાશે સબોડી નાર,

વઉ પરોણે પાછી વાળી; રે ઝણ વાગે છે,

રસપ્રદ તથ્યો

નવરાત્રમાં નાની બાળાઓ ગાય છે એવું આ ગીત શારદાબેન ડોડીયા પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 98)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968