kachbo war - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાચબો-વર

kachbo war

કાચબો-વર

[ઊભા ઊભાનો રાસડો]

નણંદ ભોજાઈ પાણીડાંની હાર્ય રે પાણીડાંની હાર્ય રે.

પાણી ભરે કૂવા-કાંઠડે રે લોલ.

પાણીડાં ગઈ’તી તળાવ રે, ગઈ’તી તળાવ રે,

કાંઠે ઊભો તે જળકાચબો રે લોલ.

દાદા મોરા લગનિયાં લખ્ય રે લગનિયાં લખ્ય રે,

નહિ રે પરણું હું જળકાચબો રે લોલ!

ઘેલાં ધીડીજી ઘેલું શું બોલો રે લોલ.

વરનું નામ રા’ ને ખેંગાર રે, રા’ ને ખેંગાર રે,

હુલામણું નામ પાડેલ કાચબો રે લોલ.

કાકા મોરા કંકોતરી લખ્ય રે કંકોતરી લખ્ય રે,

નહિ રે પરણું હું જળકાચબો રે લોલ.

ઘેલાં ભત્રીજી ઘેલું શું બોલો રે લોલ.

વરનું નામ છે રા’ ને ખેંગાર રે, રા’ ને ખેંગાર રે,

હુલામણું નામ પાડેલ કાચબો રે લોલ.

મામા મોરા માંડવડી રોપ્ય રે, માંડવડી રોપ્ય રે,

નહિ રે પરણું હું જળકાચબો રે લોલ.

ઘેલાં ભાણીજી ઘેલું શું બોલો રે લોલ;

વરનું નામ છે રા’ ને ખેંગાર રે, રા’ ને ખેંગાર રે,

હુલામણું નામ પાડેલ કાચબો રે લોલ.

આવી આવી કાચબડાની જાન રે, કાચબડાની જાન રે,

આવી ઊતરી છે લીલે લીંબડે રે લોલ.

વોરો વોરો અડધાનાં અફીણ રે અડધાનાં અફીણ રે,

માથે વોરો રે નવરંગ ચૂંદડી રે લોલ.

ઘોળ્યાં ઘોળ્યાં અડધાનાં અફીણ રે અડધાનાં અફીણ રે,

માથે ઓઢી નવરંગ ચૂંદડી રે લોલ.

તાણી તાણી સાળુડાની સોડ્ય રે, સાળુડાની સોડ્ય રે,

પીને બેનીબા પોઢી ગયાં રે લોલ.

સામે કાંઠે બાની ચે’ બળે રે લોલ.

સૌએ નાખી નાળિયેરુંની જોડ્ય રે, નાળિયેરુંની જોડ્ય રે,

કાચબે નાખ્યાં મશરુ મોળિયાં રે લોલ.

ફૈબા તારું જાશે જડાબીટ રે, જાશે જડાબીટ રે,

હુલામણું નામ રાખ્યું કાચબો રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 106)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ