ji re sonani geDi - Lokgeeto | RekhtaGujarati

જી રે સોનાની ગેડી

ji re sonani geDi

જી રે સોનાની ગેડી

જી રે સોનાની ગેડી, ને રૂપલા દડુલો રે,

જી રે રામચંદ્રજી રમવાને નિસર્યા.

ગેડી ના વાગે, દડુલો ના દોટે રે,

જી રે સાંકડી શેરીમાં વા’ણાં વહી ગયાં રે.

સોનાનું બેડું ને, હીરલા ઉંઢાણી રે,

જી રે સીતાજી જળ ભરવા સંચર્યા.

રાશ ના પોંચે ને ઘડુલો ના ડૂબે રે,

જી રે કુવાને કાંઠે વા’ણાં વહી ગયાં.

જી રે તમે પૈણા કે બાળકુંવારાં રે?

જી રે રામચંદ્રજી પૂછે રે કોણ રાયના બેટી,

શું રે નગરના નામ, શાં છે તમારા નામ રે?

જી રે જનકરાયનાં બેટી ને સીતાજી છે નામ રે.

જી રે હજી અમે બાળકુંવારા રે.

જી રે સીતાવેલે પૂછાયાં રે, કોણ રાયના બેટા,

શું રે નગરનાં નામ, ને શા તમારા નામ રે?

જી રે પૈણા કે બાળકુંવારા રે,

જી રે દશરથરાયના બેટા ને રામચંદ્રજી નામ રે,

જી રે હજુ અમે બાળકુંવારા રે,

જી રે જોશીડા તેડાવો, ને લગનિયાં જોવરાવો,

જી રે પૈણે પૈણે સીતાજી ને રામ રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 155)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966