jem sukay tem jainan phool - Lokgeeto | RekhtaGujarati

જેમ સુકાય તેમ જાઈનાં ફૂલ

jem sukay tem jainan phool

જેમ સુકાય તેમ જાઈનાં ફૂલ

જેમ સુકાય તેમ જાઈનાં ફૂલ, મારા બાલાજી રે;

એમ તારી ગોરાંદે સુકાય, હરિને કે’જો મારા વાલાને રે.

ઉતારા ઓરડા અતિ ઘણા, મારા વાલાજી રે;

ઉતારા કરનારો પરદેશ, હરિને કે’જો મારા વા’લાને રે.

જેમ સુકાય તેમ જાઈનાં ફૂલ, મારા વાલાજી રે;

એમ તારી ગોરાંદે સુકાય, જઈને કે’જો મારા વા’લાને રે.

દાતણ દાડમી અતિ ઘણાં, મારા વાલાજી રે;

દાતણ કરનારો પરદેશ, જઈને કે’જો મારા વા’લાને રે.

જેમ સુકાય તેમ જાઈનાં ફૂલ, મારા વાલાજી રે;

એમ તારી ગોરાંદે સુકાય, જઈને કે’જો મારા વા’લાને રે

નાવણ કુંડીયું અતિ ઘણી, મારા વાલાજી રે;

નાવણ કરનારો પરદેશ, જઈને કે’જો મારા વા’લાને રે.

જેમ સુકાય તેમ જાઈનાં ફૂલ, મારા વાલાજી રે;

એમ તારી ગોરાંદે સુકાય, જઈને કે’જો મારા વા’લાને રે.

ભોજન લાપસી અતિ ઘણી, મારા વાલાજી રે;

ભોજન કરનારો પરદેશ, જઈને કે’જો મારા વા’લાને રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 216)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966