jasmano rasDo - Lokgeeto | RekhtaGujarati

જસમાનો રાસડો

jasmano rasDo

જસમાનો રાસડો

જેસંગ બેઠો ભરી રે સભાય, જાચક આવ્યા રે જાચવા;

જાચક જાચ્યો રાત્ય બે રાત્ય, રાય રે જેસંગે માન દીધેલાં.

“રાજા! તારી રાણીઓ જોય, એક રે મળે જસમા ઓડણી!

જેસંગ, કાંઈ જસમાનાં રૂપ, રે નારી તમ ઘર શોભતી.”

રાજા પોઢ્યો મેડી મોઝાર, રાણી રાજાને રે રીઝવે;

પાછલી પરોઢની રાત, રાણી રાજા જગાવિયો.

પાછલી રાતે ને પરોઢ, રાણીને સપનું લાધિયું;

‘ઊઠ રાજા, પોઢંતો જાગ, પાણી વિના પોરા મરે;

બળે તારો પાટણ દેશ, ધણી વિના ઢોરાં મરે;

રૂડો મારો સોરઠ દેશ, સાવજડાં સેજલ પીએ.

તેડાવો દૂધમલ ભાણેજ, ઓડાંને લખી કાગળ મોકલે.’

લીલી ઘોડી પાતળિયો અસવાર, દૂધમલ આવીને ઊતર્યા.

‘ઊઠ દાસી, દીવડલો અજવાળ્ય, દીવાની જોત્યે કાગળ વાંચવા.’

‘શેની બાઈ, વણું રે દિવેટ? શેણે રે અજવાળું ઝમરખ દીવડો?’

‘ચંપાવર્ણી વણો રે દિવેટ, ભૂરી ભેંસોનાં ઘી ઘણાં.’

બાળ્યાં બાળ્યાં રે સવા મણ ઘી, સવારે કાગળ ઊકલ્યા.

‘મામા, કેટલા રે લખું હું ઓડ,

કેટલી રે લખું હું મામા! ઓડણી?’

‘સવા લાખ લખો ને ઓડ,

સવા લાખ લખો ભાણેજ! ઓડણી.’

જેસંગ રાજા ખોદાવે તળાવ,

ઓડાંને તેડાં રે મોકલ્યાં.

કાગળ આલ્યા બારોટાંને હાથ,

રાય રે બારોટે ભાથા ભીડિયા.

ખેડ્યા ખેડ્યા માઝમ રાત,

વાગડ જઈને વાસો વસ્યા.

‘ગાયો ચારતલ ભાઈ રે ગોવાળ, કહે ક્યાં રે વાસો ઓડાં તણો?’

‘હું તો જાણું મારા વીર, આઘેરો જઈ ઘર પૂછજે.?’

‘હળ રે ખેડંતા ખેડુઆળ, કિયા રે જસમાના ઓરડા?’

‘હું યે જાણું મારા વીર, આઘેરો જઈ ઘર પૂછજે.’

‘છાણાં રે વીણંતી છાણકેર, કિયા રે જસમાના ઓરડા?’

‘હું તો જાણું મારા વીર, આઘેરો જઈ ઘર પૂછજે.’

‘ચોરે બેઠા ચારણ ભાટ, કિયા રે જસમાના ઓરડા?’

‘અમે જાણું મારા વીર, આઘેરો જઈ ઘર પૂછજે.’

‘શેરી રમતાં નાના બાળ, કિયા રે જસમાના ઓરડા?’

બાળક ચાલ્યાં રે સંગાથ, બતાવે જસમાના ઓરડા.

બાલક ચાલ્યાં રે સંગાથ, બતાવે જસમાના ઓરડા.

લોઢે જડી રે પરસાળ, ઘુઘરિયાળો જસમાનો ઝાંપલો.

બારણે બિજોરીનું ઝાડ, ચોકમાં તે પારસપીપળો.

ઊંચી મેડી રે અગનાશ, પોપટ ભણે રે પાંજરે.

ટોડલે ટહુકે છે ઘનમોર, ગોખમાં ઘૂમે પારેવડાં.

વળીએ વેરાણાં રે હીર, મોભારે કંઈ મોતી જડ્યાં.

બારસાખે બેઠા ગણેશ, સાખે બેઠી તે નવરંગ પૂતળી.

હેમનો ચૂડીલો બાઈને હાથ, સાંગામાંચી રે ઈમનાં બેસણાં.

આથમણી વાળી રે પૂંઠ, ઊગમણું દાતણ કરે.

પારસપીપળાની હેઠ, જસમા બેઠી દાતણ કરે.

સોના બટેરાં રે હાથ, તુલસીને ક્યારે ફેરા ફરે.

બારોટે કર્યા રે જુહાર, જસમાને આશિષ સંભળાવિયાં,

કાગળ આલ્યો જસમાને હાથ, જસમાએ આલ્યાં બેસણાં.

કાગળ લીધો જસમાએ હાથ, કે વાંચીને માથું ધૂણિયું.

કેટલા લખ્યા છે રે ઓડ, કેટલી લખી છે રે ઓડણી?

સવા લાખ લખ્યા છે રે ઓડ, સવા લાખ લખી છે રે ઓડણી.

અક્ષર વાંચ્યા વાર બે વાર, જસમાની આંખે પાણી વળ્યાં.

આપ-શું કર્યો રે વિચાર, ક્યારીએથી જેઠને બોલાવિયા.

‘ઘેલી જસમા ઘેલું બોલ, દેશે આપણ જાઈએ.

‘એ દેશના કૂડીલા લોક, કૂડીલા કાગળ મોકલે.’

આપ-શું કર્યો રે વિચાર, ચોરેથી સસરો બોલાવિયા.

કાગળ દીધો સસરાને હાથ ‘રાય રે જેસંગે તેડાં મોકલ્યાં.’

‘ઘેલી જસમા, ઘેલું બોલ,’ સસરે વાંચીને માથું ધૂણિયું.

‘એ દેશના ઠગારા લોક, ઠગીને કાગળ મોકલે.

વહુ! તારું રૂપ સુરૂપ, એણે રે રૂપે લાંછન લાગશે.’

‘સસરા, તું હઈ યે હાર, નહીં રે ટળું હું જસમાં ઓડણી.

ઘેલા બાપુ, ઘેલડું મા બોલ, એક વાર જાઉં ગઢ માંડવે.’

સાસુ વહુને થઈ વઢવાડ; ‘વહુ, રે જાશો દેશમાં.

વહુ, તારું રૂપ સુરૂપ, એણે રે રૂપે લાંછન લાગશે.

મુલકના ધુતારા છે લોક, કે ધૂતી જાશે જસમા ઓડણી’

‘ઘેલી સાસુ, ઘેલડિયાં શાં બોલ? કસબ પોતાનો સહુ કરે.’

જસમાને વારે છે બાપ : ‘મ જાજો દીકરી રે ગઢ માંડવે.’

‘ઘેલા બાપુ, ઘેલડું શું બોલ, એક વાર જાઉં ગઢ માંડવે.’

જસમા આપ-શું કર્યો રે વિચાર, પોઢંતા પિયુ જગાડિયા.

કાગળ આલ્યો પિયુજીને હાથ, રાય રે જેસંગે તેડાં મોકલ્યાં.’

‘કેટલા લખ્યા છે રે ઓડ, કેટલી લખી છે સાથે ઓડણી.’

‘અધ લાખ સૂંઢાડો ને ઓડ, સવા લાખ સૂંઢાડોને ઓડણી.’

હારો રે દળાવ્યા જસમાએ ઘઉં, કળસી રે દળાવ્યો મીઠો બાજરો.

વિજયા દશમ કેરી રાત, ઓડોએ ઉચાળા ખડકિયા.

શરદ પૂનમ કેરી રાત, ઓડોએ ઉચાળા પલાણિયા.

ઓડ ચાલ્યા સમી રે સાંજ, જસમા ચાલી રે પરોઢિયે.

ઓડ આવ્યા અડધે રે પંથ, રાય રે જેસંગ સામા મળ્યા.

મઉ રે ચાલી મારવાડ, પાછેરું પાટણ રહ્યું.

‘બંકા રાજા પોઢ્યો હો તો જાગ, ઓડ આવ્યા તલાવ ખોદવા.’

રાજાને થઈ રે વધાઈ, રાય રે જેસંગ સામા આવિયા.

‘ઓડાંને ગાંદરે ઉતાર્ય, કે જસમાને મોહોલ મેડી તણા.’

‘મોહોલે તારી રાણીને બેસાર્ય, અમારે ઓડાંને ભલાં ગાંદરાં.’

‘ઓડાંને સાથરા નંખાવ, કે જસમાને હીંડોળાખાટલા.’

‘હીંડોળે તારા કુંવરો બેસાર્ય, કે અમારે ઓડાંને ભલા સાથરા.’

‘ઓડાંને ઉતારા દેવરાવ, કે જસમાને ઉતારા ઓરડા.’

‘ઘેલા રાજા, ઘેલડિયાં શાં બોલ? અમારે ઓડાંને ભલા ઝૂંપડાં.’

‘ઓડાંને દાતણિયાં દેવરાવ, કે જસમાને દાતણ દાડમી.’

‘ઘેલા રાજા, ઘેલડિયાં શાં બોલ? મારે ઓડાંને ભલી ઝીલડી.’

‘ઓડાંને નાવણિયાં દેવરાવ, કે જસમાને નાવણ કૂંડીઓ,’

‘ઘેલા રાજા, ઘેલાં શાં બોલ? અમારે ઓડાંને ભલાં ખાબડાં.’

‘ઓડાંને ભોજનિયાં દેવરાવ, કે જસમાને ભોજન લાપશી.’

‘લાપશી તારી રાણીને જમાડ, અમારે ઓડાંને ભલા રોટલા.’

‘ઓડાંની ખીચડી નંખાવ, કે જસમાને કૂર કમોદના.’

‘કૂર તારા કુંવરોને જમાડ, અમારે ઓડાંને ભલાં ખીચડાં.’

‘ઓડાંને તેલ અપાવ, કે જસમાને ઘી ગૌરી તણાં.’

‘ઘી તારા કુંવરોને જમાડ, અમારે ઓડાંને ભલાં તેલડાં.’

‘ઓડણોને મુખવાસિયા દેવરાવ, કે જસમાને મુખવાસ એલચી.’

‘એલચી તારી રાણીને ખવરાવ, અમે રે ઓડાંને ભલી મોથડી.’

‘ઓડણોને પોઢણિયાં દેવરાવ, કે જસમાને પોઢણ ઢોલિયા.’

‘ઢોલિયે તારી રાણીને સુવરાવ, અમારે ઓડાંને ભલી ગોદડી.’

‘જસમાજી, મારે મોહોલ આવ, કહે તો બતાવું મારી રાણીઓ.’

‘તારી રાણીઓ જોઈ તું બેસ, રાણીઓ સરખી તે મારે દાસીઓ.’

‘જેવું તારી રાણીઓનું રૂપ, તેવી રે મારે ઘેર ભોજાઈઓ.’

‘જસમાજી, મારે મોહોલે આવ, કહે તો બતાવું મારા કુંવરો.’

‘તારા કુંવર જોઈ તું બેસ, કુંવર સરીખા મારે જણભાગિયા.’

‘જસમાજી મારે મોહોલે આવ, તને રે દેખાડું મારા હાથીઓ.’

‘તારા હાથી જોઈ તું બેસ, હાથી સરીખાં મારે આખલાં.’

‘જસમાજી, મારે મોહોલે આવ, તને રે દેખાડું મારા ઘોડીલા.

‘તારા ઘોડા જોઈ તું બેસ, ઘોડીલાં સરખાં રે મારાં ખોલકાં.

કેવડું ખણાવશો તળાવ? કેવડી ખણાવશો રે તલાવડી?’

‘લાખે ખણાવશું તળાવ, અરધ લાખે રે તલાવડી.

‘કઈ પાસ ગોડું રે તળાવ? કઈ પાસ ગોડું રે તલાવડી?’

‘ઊગમણાં ગોડો રે તલાવ, આથમણી ગોડો રે તલાવડી.’

જસમા ખોદે ખોદે છે રે, કે સરોવર સહસ્રલિંગમાં.

તો માટી લઈને પાળપેં ચઢે છે રે; કે સરોવર સહસ્રલિંગમાં.

એનાં કુંકુવરણાં પગલાં પડે છે રે; કે સરોવર સહસ્રલિંગમાં.

એની છાયા સૂરજમાં ઢળે છે રે; કે સરોવર સહસ્રલિંગમાં.

એના પરસેવાનાં મોતીડાં ઝરે છે રે; કે સરોવર સહસ્રલિંગમાં.

એને ગાલે તે નારંગાં ઢળે છે રે; કે સરોવર સહસ્રલિંગમાં.

રૂડિયા રૂપાળીને સાથમાં શેં લાવ્યો રે, કે સરોવર સહસ્રલિંગમાં.

રાજા જાણશે તો બાંધશે દાવો રે, કે સરોવર સહસ્રલિંગમાં.

શી રૂડી આંબલિયાની ડાળ, રાજાએ તંબુ તાણિયા.

જેસંગ બેઠો સરોવરિયા પાળ, ‘કિયો રે જસમાનો ઘરધણી?’

ઊગમણા વાયરા રે વાય, જસમાનો છેડો ફરૂકિયો.

જોયું રે રૂપાળી કેરું રૂપ, જોયો રે ચતુરાઈ ભર્યો ચોટાલો.

પેટ એનું પોયણ કેરું પાવ, પાંસળિયે એનો દીવા બળે.

પારણું બાંધ્યું આંબલિયાની ડાળ, આવતાં જતાં રે નાખે હીંચકો.

દીઠું દીઠું જસમાનું રૂપ, રાય રે જેસંગ મૂરછાઈ ગયો.

‘લાવો સવા લાવો રે સૂંઠ, મૂરછા તે રાયની વાળિયે.’

‘શું કરું સવા, શું કરું સૂંઠ? જસમા તું હાલ્ય મારા મોહોલમાં.’

‘જસમાનો પરણ્યો દેખાડ, કિયો રે જસમા કેરો ઘરધણી?’

‘સોના કોદાળો છે હાથ, લાલ લુંજીની વાળી રે ઘાટડી.’

‘કિયા એના દિયર-જેઠ? કિયો રે ઓડાં તણો રાજવી?’

‘સૌનૈયો હીંચે છે હૈયા સાથ, રૂપલા વેઢ એની આંગળી.’

‘એ જસમાના દિયર-જેઠ, એની કેડે તે કટારાં વાંકડાં.’

‘જસમા, માટી થોડેરી ઉપાડ, તારી રે કેડે લચક લાગશે.’

‘જસમા, માટી થોડેરી ઉપાડ, તારી કેડોના લાંક લળી જશે.’

‘ઘેલા રાજા, ઘેલું બોલ, અમારી કેડોનો લાંક લોહે જડ્યો.’

‘જસમા, માટી થોડેરી ઉપાડ, રે રૂવે છે તારાં છોકરાં.’

‘ઘેલા રાજા, ઘેલું બોલ, અમારે ઓડાંનો કસબ થીયો.’

‘જસમા, તારે હીર ને ચીર, ઓડાંની લોબડીએ શું મોહી રહી?’

‘હીરચીર તારી રાણીને પહેરાવ, અમારે ઓડાંને ભલી લોબડી.’

‘જસમા, તારે જમવાં પાંચ પકવાન, રૂડિયાને શું મોહી રહી?’

‘રૂડિયો છે મારો ભરથાર, એના સમો બીજો કોઈ નથી.’

‘જસમા તારે સોનાનો ચૂડીલો, કાચલીને ચૂડે શું મોહી રહી.?’

‘સોનાચૂડો રાણીને પહેરાવ, અમારે ઓડાંને ભલી કાચલી.’

‘જસમા, તારો સોરઠ પડ્યો મેલ, આવી રે જા પાટણરાજમાં.’

‘બળ્યો તારો પાટણવાડો દેશ, સારંગડાં તરસે મરે.’

‘ભલો મારો સોરઠ દેશ. સારંગડાં સેજલ પીયે.’

‘ઘેલા રાજા, ઘેલું બોલ, તારે આધીન ના રહે સતી.’

ફટ ફટ શો કીધો કેર, ગરીબ ઓડાંને રે દુભાવિયાં.

અધ લાખ માર્યા રે ઓડ, અધ લાખ મારી રે ઓડણી.

માર્યા જસમાના દિયર-જેઠ, માર્યો રે જસમાનો ઘરધણી!

લોહીના વરસ્યા રે વરસાદ, તલવારે રે તાળી પડી.

નાળિયેરીના પોઠી મગાવ, ઓડાંને ઉપર બંધીએ.

દોશીડાનાં હાટ ઉઘડાવ, ઓડાંનાં ખાંપણ વહોરીએ.

અગર ચંદનની કાઠી મગાવ, ઓડાંને દાગ દેવરાવીએ.

સુખડચંદનને વઢાવ, ઓડાંને દેન દેવરાવીએ.

‘જેસંગ રાજા તું ઊંચેરું જો, ઊંચે ઊડે સોના ચરકલી.’

જેસંગ રાજા ઊંચેરું જોય, ભડકલમાં ચરકલી બળે!

જેસંગ રાજા ઊંચેરું જોય, સમળી ફરે સોના તણી.

રાજા ઊંચેરું જોવા જાય, જસમા યે ત્યાં ઝંપલાઈ ગયાં.

‘બળતેરી બોલું સરાપ, ઘણું રે જીવો રાજા વાંઝિયો!

બળતેરી બોલું સરાપ, સાતે જનમારા જેસંગ વાંઝિયો!’

જેસંગ રૂવે રે હૈયા ફાટ, આંખે શ્રાવણભાદરવો ઝરે.

‘જસમાજી, તારે દરબાર, હું કેમ સરજ્યો રે પાહાણકો.

આવા રૂડા જસમા તારા પગ, પથરો જાણી તું પાહાની ઘસત.

‘જસમાજી, તારે દરબાર હું કેમ સરજ્યો ખોલકો?

આવા રૂડા જસમા તારા હાથ, કાને સાહી ખીલે બાંધતે.

જસમાજી, તારે દરબાર, હું કેમ સરજ્યો કૂતરો?

આવો રૂડો તારો કંઠ, ‘હીરલો’ કહી મને બોલાવતે.’

જેસંગ રૂવે રે હૈયાફાટ આંખે શ્રાવણ કેરાં સરવડાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 313)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957