walonun - Lokgeeto | RekhtaGujarati

વલોણું

walonun

વલોણું

રંગ લાગ્યો મને તારો રંગીલા! રંગ લાગ્યો રે!

માથે મટૂકી ને મહીડાંની ગોળી,

મહીડાં વલોવાય અમારાં. રંગીલા.

માતા જશોદા! મોકલો કુંવરને,

મહીડાં વલોવાય અમારાં. રંગીલા.

કાળા તે નાગનાં નેતરાં રે કીધાં,

ફૂંફલીની કરી ઘિલોડી. રંગીલા.

એક પા ઘૂમે મારા કાનજી રે કાળા,

બીજી પા રાધિકા ગોરાં. રંગીલા.

હળવા હળવા ઘૂમો મારા કાનજી રે કાળા!

મહીડાંની રીત શું જાણે? રંગીલા.

ઘૂમેરા રે ઘૂમતાં વાણુલાં વાયાં,

માખણ કાઢ્યાં થાળી. રંગીલા.

માખણનો પિંડો મારો માવજી રે ખાશે,

છોરુલાં પીશે છાશ. રંગીલા.

સોનાની થાળી સિંદૂરે અજવાળી,

માંય પીરસી સુંવાળી. રંગીલા.

ઉપર બેસાડું કા’ન કાળા! રંગીલા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 164)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957