dhan dhan jasoda matne jo - Lokgeeto | RekhtaGujarati

ધન ધન જસોદા માતને જો

dhan dhan jasoda matne jo

ધન ધન જસોદા માતને જો

ધન ધન જસોદા માતને જો,

પુત્ર ભાવે લડાવે બ્રીજ નાથને જો.—

જ્યારે ભૂધરજી ભૂખ્યા થાય જો,

પેટ ચોળતા માતાની પાસે જાય જો.—

કઢ્યાં દૂધ ને, સાકર ખાય છે જો,

વ્હાલો વ્રજમાં તે બેસવાં જાય છે જો.—

આવી ઊભા સખા સૌ આંગણે જો,

બ્રહ્મા ભેગા રમો છે ગૌ-બ્રાહ્મણે જો.—

ખોળે બેસાડી પૂછે માવડી જો,

“ક્યાં રમવા ગયા’તા વાર આવડી જો?”—

“સખા વચ્છ ચરાવવાને જાય છે જો,

માતા મોકલો તો મન થાય છે જો.”—

વ્રજ-જનનાં તે કારજ સારવા જો,

માતા મોકલે છે ગૌ ચારવા જો.—

“વાર થશે ને લાગશે ભૂખડી જો,

બાવા! છેડે બાંધી ને જાવ સુખડી જો.”—

લાલ સોટી આપી છે હાથમાં જો,

વહાલો ચાલ્યો સખાના સાથમાં જો.—

આગળ વાછરુ ને પૂંઠે ગોવાળ ચાલતા જો,

ધર્યાં ફુલનાં છોગાં, ને હીંડે મ્હાલતા જો.—

હીંડે એક એક એકની હારમાં જો,

લીલા આવે અકળિત, કારમાં જો.—

પૂંઠે ગોપીયો તે જોવા જાય છે જો,

મહા મંગળ તે વ્રજમાં થાય છે જો.—

જોડ્યાં જુમનાજી લહેરે જાય છે જો,

તેને જોવાનું મહાસુખ થાય છે જો.—

ત્યાં શીળી કદમની છાંય છે જો,

મળી મંડળી ભેગા બેસી ખાય છે જો.—

કોળીયો ભર્યો, તે વા’લે મુખમાં જો,

ખોશી વાંસળી કાનુડાની કૂખમાં જો.—

લાલ સોટી બગલમાંહી ધરી જો,

ખેલે અકળિત લીલા શ્રી હરિ જો.—

જોઈ બ્રહ્મા પડ્યા વિચારમાં જો,

ત્યાં પ્રભુજી રમે છે પિંડારમાં જો.—

જેનું ધ્યાન ધરે છે નિત દેવતા જો,

મોટા મુનિ ખોળે છે, વન સેવતા.—

હેરૂ વાછરૂતો વાત આવે હાથમાં જો,

સ્વામી શિવરામનું છે વ્રજ સાથમાં જો.—

ભૂલ્યા બ્રહ્માજી, ભેદમાં જાણીયું જો,

રજોગુણનું અભિમાન અણીયું જો.—

વચ્છ હરી ગયા બહાર નિજ લોકમાં જો,

કૃષ્ણને ઓળખ્યા નહીં ને મન શોકમાં જો.—

મારે વા’લે તે મનમાં વિચારીયું જો.

વચ્છ ગોવાળનું રૂપ આપે ધારીયું જો.—

બન્યાં વાછડાં તે ને તે જાતનાં જો,

ધોળાં કાળાં ને ગોરી ભાતનાં જો.—

જાડાં પાતળાં ને ઊંચાં જેવડાં જો,

બન્યાં આજનાં હતાં તેવતેવડાં જો.—

સૌના હાથમાં અકેકી વાંસળી જો,

તેના શબ્દે પરોવી જાય પાંસળી જો.—

કંઠે ગુંજા-મલિના હાર શોભતા જો,

જોઈ મુનિવર રહ્યા મન લોભતા જો.—

માથે ગજરા ઘાલ્યા છે ઘણા ફૂલના જો,

માંહ્ય રત્ન શોભે છે મહામૂલનાં જો.—

તોરા ફૂલના ઘાલ્યા છે રૂડા ખૂંપમાં જો.

સ્વામી વ્રજનો રમે વ્રજ જૂથમાં જો.—

આગળ વાછરુ ને પૂંઠે ગોવાળ ચાલતા જો,

ધર્યાં ફૂલનાં છોગાં ને હીંડે મ્હાલતા જો.—

હીંડે એક એક એકની હારમાંજો,

લીલા નાવે અકળિત પરામાં જો.—

એવા આવતા ગોવાળિયાને જોઈને જો,

વ્રજવાસીનાં મન રહ્યાં મોહીને જો.—

આવ્યા આવ્યા તે આપણે ઘેર સહુ જો,

ગાય ગોપીયોને હરખ વધ્યા બહુ જો.—

મન ભાવતાં તે ભોજન જમાડીયાં જો,

પુત્ર-ભાવ જાણી પ્રેમ શું રમાડીયા જો,

વચ્છ બારેને હેત વાધ્યાં ઘણાં જો,

હતાં આજનાં તેથી તો થયાં સો-ગણાં જો.—

ધન્ય ધન્ય ગોકુળીયાની ગાય છે જો,

નિત્ય દૂધ મારા પ્રભુજીને પાય છે જો.—

એમ રમતાં તે વરસ ગયું વહી જો,

કોઈ ભૂધરનો ભેદ જાણ્યો નહીં જો.—

સ્વામી આહીરની પ્રીતડી ના જાણ છે જો,

વ્રજ ગોવાળીયોના જીવન પ્રાણ છે જો.—

વાલો વચ્છ ચારવાને જાય છે જો,

મળી મંડળી ગોવાળીયા ભેંગા થાય છે જો.—

વાય વાંસળી, ને જ્ઞાન ગાય ગીતમાં જો,

જોઈ બ્રહ્મા વિચાર કરે ચિત્તમાં જો,

જોઈ બ્રહ્મા વિચાર કરે ચિત્તમાં જો.—

હંસ-વાહનેથી હેઠા ઊતર્યા જો,

જોઈ નંદના કુંવરને નમી પડ્યા જો.—

ચાર મુખે વખાણ ગાઉં વેદમાં જો,

મેં જાણ્યું તમારા ભેદમાં જો.—

હર્યાં વચ્છ ને ગોવાળ પાછાં લીજીયે જો,

ગુનેગારથી ગુનો તે માફ કીજીયે જી.—

જ્યારે માતા બાળકને મારશે જો,

ત્યારે બીજું કોણ ઊગારશે જો—

ગર્ભવાસમાં તે બાળ પીડા કરે જો,

તેનું વેર માતા મનમાં ના ધરે જો.—

એવું સાંભળીને મહેર મોહને કરી જો,

વૃક્ષ પત્ર પત્રમાં દીઠા શ્રી હરિ જો.—

વચ્છ ગોપીયો ચત્રુભુજ દીઠા સહુ જો,

દેખી બ્રહ્મા પામ્યા હરખ બહુ જો.—

એવા નવા નવા ખેલ નિત થાય છે જો,

હરિ-લીલા-કથાને કવિ ગાય છે જો.—

ધન્ય ધન્ય જસોદા માતને જો,

પુત્રભાવે લડાવે બ્રીજનાથને જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966