jashodana jaya, tamne winawun re - Lokgeeto | RekhtaGujarati

જશોદાના જાયા, તમને વિનવું રે

jashodana jaya, tamne winawun re

જશોદાના જાયા, તમને વિનવું રે

જશોદાના જાયા, તમને વિનવું રે;

વસુ-દેવકીના જન્મેલ: તમે ગાયું ચોરોને ગોવાળિયા રે.

વાલે હાથે તે વાછરૂ છોડિયાં રે;

લઈ ચાલ્યા વૃન્દાવન ઘાટ; સામી મળી વ્રજવનિતા રે.

મારી વાછડીની ડોકે ફૂમતા રે;

તમે સાચવજો દીનાનાથ: એને સાંજ પડ્યે સંભાળજો રે.

ગોપી, કઠણ વચન નવ બોલીએ રે;

નાણું નથી બંધાવતી ગાંઠ: વાળી લેને તારાં વાછરૂં રે.

બાવા નંદજીને કે’દિ હતી બાકરી રે;

તમને ગાળ્યું ખાવાની ઘણી ટેવ: વગડે દોવો ધેનું પારકી રે.

ગોપી, તારી તે ગાય તારા લખણી રે;

આપ ધાવે પોતાનાં દૂધ: સામી આળ ચડાવે અમને રે.

ભલા મારી તે ગાય મારા ઘરની રે;

લખણ શીખી તમારી પાસ: તમે ગાયું ચારોને ગોવાળિયા રે.

વન વેઠતાં તે જસ જડ્યો આવડો રે;

જસ ગાયો પાણીને પૂર: તમે ગાયું ચારોને ગોવાળિયા રે.

વાલા, જસનો ઘડાવું એક ટોકરો રે;

બાંધું બેવડ બળદની રાશ: જેનો રણકો વાગે ત્રણ લોકમાં રે.

જસોદાના જાયા એક વિનતી રે;

અમને ફરી રમાડો રાસ: પછી ગાયો ચારોને ગોવાળિયા રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966