krishnjanm - Lokgeeto | RekhtaGujarati

કૃષ્ણજન્મ

krishnjanm

કૃષ્ણજન્મ

ઉજ્જડ રણમાં તે દેવળ ચણાવજો રે લોલ;

દેવળ ફરતાં તે કાંગરા કોરાવજો રે લોલ.

અગર ચંદનના દીવા બળે રે લોલ;

કુંવર દેવકીના, રમે સોળ સોગઠે રે લોલ.

ત્યાં મોટા મોટા ભૂપતિ જોવા મળે રે લોલ;

ત્યાં સોગઠાનો કેવો કેવો રંગ છે રે લોલ.

એક રાતું કાળું લીલું પીળું સોગઠું રે લોલ;

મારા સોગઠાના એવા એવા રંગ છે રે લોલ.

જશોદા ને દેવકી બેય બેનડી રે લોલ;

બે બેનું જમનાનાં પાણી સાંચર્યાં રે લોલ.

બેને પેર્યું કાળી અતલસનું કાપડું રે લોલ;

સાત સાત છોરૂડે બેની વાંઝિયાં રે લોલ.

જશોદા પૂછે, દેવકીજી કેમ દૂબળાં રે લોલ;

કોણ હાર્યા ને કોણ કોણ જીતિયાં રે લોલ.

હાર્યા કે’શું તો લોક પાડે તાળિયો રે લોલ;

જીત્યાં કે’શું તો લોક કરે ઠેકડી રે લોલ.

બાર વાગ્યા ને કાનકુંવર જલમિયા રે લોલ;

એવો ટાણે માસીનાં તેડાં આવિયાં રે લોલ.

માસી જળ રે ગંગાજળ લઈ આવિયાં રે લોલ;

માસીએ સોના સળીએ નાળ વધેરિયાં રે લોલ.

માસીએ જળ ગંગાજળે નવરાવિયા રે લોલ;

માસીએ હીરચીરનાં બાળોતિયાં વીંટોળિયાં રે લોલ.

બાર વાસાનું બાળક બોલિયું રે લોલ;

માતા, મળવા ચાલો મામાને ઘેર રે લોલ.

દડો દોડાવતા કાનકુંવર ચાલિયા રે લોલ;

સાંકડી શેરીમાં મામા સામા મળ્યા રે લોલ.

ભાણેજ દેખીને મામા સંતાઈ ગયો રે લોલ;

મામા, શીદને સંતાવ છો મૂરખા રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 237)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968