jamnaji jal bharwa - Lokgeeto | RekhtaGujarati

જમનાજી જળ ભરવા

jamnaji jal bharwa

જમનાજી જળ ભરવા

ચાલો સખી, જમુનાજી જળ ભરવા,

કાલિન્દીના નીર છે, મીઠડાં જો;

ચાલો સખી, જમુનાના જળ ભરવા.

માથે તે સોના બેડાં શોભતાં રે લોલ,

આરે તે પનિહારીની હાર્ય જો;

ચાલો સખી, જમુનાજી જળ ભરવા.

કરતાં કાંઈ મીઠી મીઠી ગોઠડી રે લોલ

નવ રે’તું બીજું કાંઈ ધ્યાન જો;

ચાલો સખી, જમુનાજી જળ ભરવા.

વા’લીડો વાટમાં નિહાળી રે લોલ,

હૈયે ઉભરાય અમીની ધાર જો;

ચાલો સખી, જમુનાજી જળ ભરવા.

વંકી ડોકે તે વાલમ નીરખું રે લોલ,

બેડે છલકાયાં આછા નીર જો;

ચાલો સખી, જમુનાજી જળ ભરવા.

એની આંખડી હૈયાની વીંધતી રે લોલ,

પાલવ ચૂવે ને હરખે આંખ જો;

ચાલો સખી, જમુનાજી જળ ભરવા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 221)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968