suratni haDtalno garbo - Lokgeeto | RekhtaGujarati

સુરતની હડતાલનો ગરબો

suratni haDtalno garbo

સુરતની હડતાલનો ગરબો

(ઢાળ : ‘ઓ વાંસલડી, વેરણ થઈ લાગીરે વ્રજની નારને’-)

શહેર સુરતમાં, બંગાલી તોલ સારૂં રે હરતાલ પારી :

ગામે ગામના લોક, મલી કરીને શંફ કીધો છે ભાહારી.— ટેક.

પહેલે શહેર સુરત ઊતી મુગલાઈ, કેવી સુરત શહેર ઊતી શવાઈ :

પછી મુગલાઈની આખરી થાઈ.—શહેર સુરતમાં 01

સંવત અડારસોને વલી સાલ છપ્પનનાં, તાહારે અંગરેજ લોકઆએઆ સૂરતમાં :

નશરૂદ્દીન નવાબના રાજમાં.—શહેર સુરતમાં 02

નવાબે આવીને સઉને જપતી કીધી, તેણે દગાથી સુરત શહેર લીધી :

બધી વશતી લોકની ઉજર કીધી—શહેર સુરતમાં 03

તેને કેટલાંએક વરસો થાઈ ગીઆં, પેલા નવાબ શરીખા શઉ ઉરી ગીયા :

નહીં સૂબાઓ સરખા કોઈ રહેઆ.—શહેર સુરતમાં 04

હેવું અંગરેજ લોકે જ્યારે દીઠું ત્યારે, નવાબના બીજા કાયદા કારે :

તેથી રઈઅત લોકો ઘણી ડરે.—શહેર સુરતમાં 05

એમ કરતાં લોકોનો શંફ બહુરે થયો, હિંદી સંવત ઓગણીસોનો આખેર આવ્યો :

તેટલે અગન માસ શઉ આવી રહ્યો.—શહેર સુરતમાં 06

વરી બંગાલ શેહેરથી હોકંમ આયો, તે તો ગવરનર કાઉન્સીલમાં વંચાયો :

ત્યારે સુરત શેહેરમાં મોકલાયો.—શહેર સુરતમાં 07

ઈશટોબર જાંગલો વાંચી વિચાર કરે, તે તો બંગાલી કાતલાંનો તોલ કાહારે :

તેહેની જાહેરનામામેં ખબર પાહારે.—શહેર સુરતમાં 08

ત્યારે ફાગણ સુદ દિવસ હતો તીજનો, રઈએત લોકો શંફ ત્યારે કીધો ઘણો :

બધી રઈએતે હરતાલ પારી તેમાં. —શહેર સુરતમાં 09

પહેલે પીંડારા લોકોની કઈં લૂંટ ચાલી, રાતનાં બજાર બારેઉ તેને ઘણું ભારી :

એનું નામ લીમડા ચોક કઈ ચાલી.—શહેર સુરતમાં 0 10

તાંહાં ઘણાંએક લોકની ખરાબી થાઈ, તેથી હરતાલ લોકોએ અહીં પાડી :

બીજી જાહેરનામાની ખબર થાઈ.—શહેર સુરતમાં 0 11

ત્યારે અંગ્રેજ લોકે નિશ્ચે વાત જાણી, તેણે બીજાં જાહેરનામાં માર્યાં ફરી :

તે કાગળ વાંચે ખલખત સારી.—શહેર સુરતમાં 0 12

તેમાં પહેલી કલમ લોકે એમ વાંચી, ગજ સૂથારીને તોલ કરે બંગાલી :

વદ બારશની તેને મુદત આલી.—શહેર સુરતમાં 0 13

વરી ફાગણ વદ બારશ શનિવારે, મહાજન લોક ફરી હરતાલ પારે :

ત્યારે ટોપીવાળા લોકને બીહીક પરે.—શહેર સુરતમાં 0 14

ટોપીવાળા સઉ લોક નીકળી જાયે, જઈ ડુમસ ગામની માંહાંએ રીએ :

તેટલે દીવાસાનો તહેવાર જાહેર થાયે.—શહેર સુરતમાં 0 15

શહેર સુરતનાં સઉ લોકે મળી કરી, સઉને ઘેર વાત પોળે ચાલી ખરી :

બધી રઈએત લોકે જશ બોલી ઘણી.—શહેર સુરતમાં 0 16

શહેરે સુરતમાં હાલાકી થાયે છે, એક તો આગના બરેલા ખુવાર થાયે છે :

તેટલે નવાનવા કાએદા કાઢે છે.—શહેર સુરતમાં 0 17

લોકે દાળ ચોખા જુવારને ગાડે ભરી, તે તો ધરમ કરે લોક મહાજન ભારી :

આલે અફીણ તમાકુ ને તરકારી.—શહેર સુરતમાં 0 18

કોઈ કીકાલાલે લીધી ઘી ને તરકારી, તેને ચોકસી ભીખુભાઈની જોડી :

તેની પાછળ લોકોએ બૂમ તાલી પાડી.—શહેર સુરતમાં 0 19

લઈ તરકારી લોક સહુ ઘેર ગીઆ, બીજા રસ્તામાં લોક સઉ ઊંભા રહેઆ :

તેની આબરૂનાં રશતામેં કાંકરા થીઆ.—શહેર સુરતમાં 0 20

તેની પછવાડે લોકોનું ટોળું ગીઉં, તેના ઘેર આગલ મોહોલ્લામાં હુલડ થયું :

તેને નિઆત બહાર મેલવાને લોકે કહ્યું.—શહેર સુરતમાં 0 21

ત્યારે કીકાલાલ શેઠે સહુને એમ કહ્યું, જોઈએ તેટલા પૈસા મારી પાસે લેવું :

તેને નીઆત બહાર મેલવાને નારે કહેવું.—શહેર સુરતમાં 0 22

ફરી ગાડીએ ગાડીએ લોકે જુવાર ભરી, તેને પાંજરાપોળમાં મોકલાવી :

એમ રઈએત લોકને ખવરાવી.—શહેર સુરતમાં 0 23

તેની આગળ બીજી બીના શું રે બની, પહેલે થાઈ ફજેતી એક ઘાંચીની :

તેણે ઘીઈ વેચીને દોની નહીં માંની.—શહેર સુરતમાં 0 24

ઘાંચી રહેવાસી બરાનપુરી ભાગળનો, તે તો ચોર થયો સઉ મહાજનનો :

બીજો હુકમ તોડ્યો છે તેણે સરકારનો.—શહેર સુરતમાં 0 25

તેની ખબર થાઈછે કોઈ શીપાઈને, આવી પકડીને લઈ જાય છે પેલા ઘાંચીને :

વરી લઈ ગીઓ તેને કોટવાલ કને.—શહેર સુરતમાં 0 26

ત્યાંથી વદાય કીધો પેલા ઘાંચીને, સઉએ આવતો દીઠો પેલા ઘાંચીને :

લીધો સઉ લોકે રસ્તામાં ઘેરીને.—શહેર સુરતમાં 0 27

તેને માર મારીને સઉએ કાઢ્યો, તેના માથાનો શેલો પાઘડી હોજમેં પડ્યો :

તેને હોજમેંથી સઉ લોકે બાહેર કાઢ્યો.—શહેર સુરતમાં 0 28

વરી નીઆતબહાર સઉએ તેને મેલાવી, તેની ખબર સાંભળીને કોટવાલ આવી :

પચાસ પચાસ સાથે શીપાઈ લાવી.—શહેર સુરતમાં 0 29

સઉ રઈએત લોક તેને જોએ છે, તેની સાથ કોટવાલ ફેરા ખાયે છે :

કોટવાલ રેઈએતને એમ બોલે છે.—શહેર સુરતમાં 0 30

“તોફાન કરશો તો મારીશ ગોળી ભરી,” એટલું કહીને કોટવાલ ગીયા ફરી :

ત્યારે અંગરેજ લોકોએ દુકાન માંડી.—શહેર સુરતમાં 0 31

રઈએત ભૂખી મરે છે ઘણી તે માટે, પાપડી જુવાર બાજરી ને ખજર વેચે :

તેને બંગાલી તોલ કાટલે જોખે છે.—શહેર સુરતમાં 0 32

તાંહાં લેવાને સઉ કોઈ આવે છે, તેને બંગાલી તોલે તોલીને આપે છે :

આલે પાપડી જુવાર પઈશા લઈને.—શહેર સુરતમાં 0 33

એક દિવસે અંગરેજ તાંહાં દુકાન માંડી, રઈએત લોકે દુકાન કાઢી મેલી :

જેણે લીધી તેની પાછલ લોકે ફજેતી કરી.—શહેર સુરતમાં 0 34

બધી શહેરમાં કીધું છે લોકે તોફાન, હવે કહું છું બધું ત્યાંહાંનું મંડાણ :

બધી ઉચકી નાંખી લોકે દુકાન.—શહેર સુરતમાં 0 35

તાંહાં નાગર દેસાઈ છે કતાર ગામનો, તે તો માનીતો થયો મોટી સરકારનો :

તેને લાલચ છે શરપાવ લેવાનો.—શહેર સુરતમાં 0 36

તે તો ઘાંચી ભાઠેલાને પકડાવે છે, તેને પકડી કેદખાને નખાવે છે :

તેને અંગરેજ લોક સમજાવે છે.—શહેર સુરતમાં 0 37

‘તમે બંગાળી કાટલાંને તોલ લઈ જાવો, તમે કતારગામમાં તેને ચાલાવો :

નહીં તો કેદખાને જનમભર પડી રહેવો’—શહેર સુરતમાં 0 38

ત્યારે લોકોએ તે કહ્યું નહીં માન્યું, એટલે અંગરેજ લોકે એવું જાણ્યું :

‘તેના દિલમાં કપટ બહું ફેલાયું.’—શહેર સુરતમાં 0 39

કતારગામના તે લોક ફેરા ખાયે છે, કહ્યું હાકેમનું લોક નહીં માને છે :

તેનો વિચાર શેઠ શાહુકારને થાય છે.—શહેર સુરતમાં 0 40

વળી આતમારામનો છે પસૂભાઈ, નગરશેઠની સાથે શાહુકારો લેઈ :

પેલા દુલાચંદ શેઠને ઘેર જઈ.—શહેર સુરતમાં 0 41

હવે શાહુકાર લોક શઉ ભેગા થયા, બધા પીરોજશા શેઠની વાડીએ ગયા :

તેમાં પસૂભાઈ શેઠ સઉની આગલ થયા.—શહેર સુરતમાં 0 42

અરદેશ કોટવાલની સાથે જઈને મળે, બધી વાત કીધી તે પેલા નગરશેઠે :

હેઠે હુલ્લડ કીધું છે તે સઉ લોકે.—શહેર સુરતમાં 0 43

તાંહાં અરદેશર કોટવાલ સઉને સમજાવે છે : ‘કઈ બંગાલી તોલમાં શું નુકસાન છે?’ :

ખાલી હુલ્લડ કર્યામાં શું ફાયદો છે?’—શહેર સુરતમાં 0 44

ત્યારે કોટવાલ બેજનજી બોલે ફરી, પેલો પસૂભાઈ શેઠ સઉની આગલ પડી :

ત્યારે અરદેશર કોટવાલે તકરાર કરી.—શહેર સુરતમાં 0 45

“હોવાં તોલ કઈ અહીંઆ ચાલવાનાં નથી, ખાલી વાત કરો છો શેઠ જુબાનથી” :

એટલું કહીને શાહુકારો ગયા ત્યાંથી.—શહેર સુરતમાં 0 46

બીજી વાત કહું રૂપાળા મેરવાનજીની, તેની નાણાવટે ફજેતીઓ કીધી ઘણી :

તેની પછવાડે લોકે બૂમ તાળી પાડી.—શહેર સુરતમાં 0 47

વળી મહાજન લોકો બૂમ પાડે છે, મેરવાનજી નવા કાયદા કહાઢે છે :

બધી રઈઅત તેનો ઘાટ ઘડે છે.—શહેર સુરતમાં 0 48

તેણે સરકારની ખેરખાઈ કીધી ઘણી, બધા મહારાજ લોકે તેની આબરૂ લીધી :

તેની ચીઠ્ઠી ને પત્રીઓ બંધ કીધી.—શહેર સુરતમાં 0 49

તેની વાડીએ શાહુકાર લોક ગયા, ત્યાં બેજનજીતે કોટવાલ આવી પડ્યા :

વરી મેરવાનજી સરકારના માનીતા થયા.—શહેર સુરતમાં 0 50

ત્યાંથી કોટવાલ લોક પાછા ગયા ફરી, તેને સઉ રઈઅતે બૂમ તાલી પાડી :

ત્યારે તમાશગીર લોકને લીધા ઘેરી—શહેર સુરતમાં 0 51

હવે હુલ્લડને તોફાન ખરં થયું, વળી રણશિંગડું ફરી પાછું ઝુંકાવિયું :

ત્યારે સઉ મહાજન લોક નાઠું ગયું.—શહેર સુરતમાં 0 52

તાલી પાડનાર લોક નાશી જાયે, બીજા તમાશગીરે લોકો પકડાયે :

વગર વાંકે લોકો એમ ખરડાયે.—શહેર સુરતમાં 0 53

મુસાફરખાનામાં તેને કેદ નખાવે છે, વગર તકશીરે લોકો પકડાવે છે :

સઉ રઈઅતના મન ઉદાસ થાયે છે.—શહેર સુરતમાં 0 54

લૂંટ પાડવાની બૂમ સઉ લોકે પાડી, કઈ મુસલમાનો હુલ્લડ કરશે ભારી :

ધન દોલત લેશે સઉની કાઢી.—શહેર સુરતમાં 0 55

ઘેર ઘેર લોકે ખાડા ખોદાવી, મૂકે ધન દોલત પૈસાને દટાવી :

પૈસાદાર લોકે પોળ બંધાવી.—શહેર સુરતમાં 0 56

વળી વાત કહું તે બીજી રાંદેરની, તમે બીના સાંભળો સહુ ફરી ત્યાંની :

ત્યાં કોટવાલીછે દશતુરજીની.—શહેર સુરતમાં 0 57

તાંહાં ગરીબ મુસલમાનો ભૂખે મરે છ, લોક જઈને કોટવાલને પગે પડે છે :

તેમાં કોટવાલ સરખા શું રે કરે છ.—શહેર સુરતમાં 0 58

વળી કોટવાલ લોક સઉ વિચાર કરે, તે તો એકએક કાણિયાની દુકાને ફરે :

ત્યાર કાણિયાઓ કઇંક ફરિયાદ કરે.—શહેર સુરતમાં 0 59

તેનો કજિયો સૂરતમાં આવે, દશતુરજી કોટવાલને બોલાવે છે :

તેને બેવડા પૈસા અપાવે છે.—શહેર સુરતમાં 0 60

સુરત શહેરની પાસે બીજાં ગાંમ છે, તાંહાં અંગરેજ લોકનું કંઈ મુકામ છે :

કંઈ પાડી હડતાલ ગામે ગામ છે.—શહેર સુરતમાં 0 61

કંઈ હડતાલ દિન પાંચની રહી છે, મહાજન લોક બધાની અરજી થઈ છે :

તે અરજી મુંબઈ શહેરેમાં ગઈ છે.—શહેર સુરતમાં 0 62

ત્યાં ગવર્નર કાઉન્સીલ બેઠી ભારી, બંગાલી તોલ કાટલાં પાછાં વાળી :

હવે અસલી માફકનો કઈં હુકમ કાઢી.—શહેર સુરતમાં 0 63

ત્યારે મુંબઈ શહેરથી હુકમ થયો, તેવો ઈશટોબર જાંગલો હુકમ લાવ્યો :

પહેલો અરદેશર કોટવાલને બોલાવ્યો.—શહેર સુરતમાં 0 64

ફરી કોટવાલ અરદેશને સમજાવી, ફરી શાહુકાર લોકને બોલાવી :

તેની સાથે તકરાર ઘણી કરી. —શહેર સુરતમાં 0 65

તેમાં પસૂભાઈ શેઠ નહીં કોઈથી બીધો, તેને અંગરેજ લોકોએ કાયર કીધો :

ત્યારે સુરતી તોલનો હુકમ કીધો.—શહેર સુરતમાં 0 66

અરદેશર કોટવાલને શેઠ સાહુકારે, લઈ હુકમ સરકારનો બહાર પડે :

બધી દુકાનો ઉઘાડી તે દહાડે.—શહેર સુરતમાં 0 67

ચઈતર સુજ બીજ ને છે બુધવાર, બધી દુકાનોની હડતાલનો થઈયો પાર :

હવે સલાહ સંપે ચાલે વ્યવહાર.—શહેર સુરતમાં 0 68

એવા સુરત શહેરના લોક બહું સંપીલાં, મહાજન લોકની થાયે બોલબાલા :

એમ લડવે સુરતી લોક હઠીલા.—શહેર સુરતમાં 0 69

એમ પસૂભાઈ શેઠે હીંમત કીધી સારી, બધી રઈઅત જાય તે પર બલિહારી :

સુરતી સોરાબજીએ જુગતી જોડી.—શહેર સુરતમાં 0 70

સઉને વરજીવનદાસ કહે છે સુરતમાં, ઘણું પાપ થયું તે કલિજુગમાં :

તમે સમજીને ચાલો સઉ મનમાં.—શહેર સુરતમાં 0 71

એતો શહેર સુરતમાં જુગતિઓ જોડી, ચીકંન છાપનાર શોરાબજીએ શુધારી :

હવે મુંબઈ શહેરમેં ગવાડી.—શહેર સુરતમાં 072

રસપ્રદ તથ્યો

શહેર સુરતમાં, નવાં તોલમાપને સારૂ હડતાળ પાડી તેનો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963