sanDho sumbro - Lokgeeto | RekhtaGujarati

સાંઢો સુંબરો

sanDho sumbro

સાંઢો સુંબરો

નણંદ ને ભોજાઈ પાણીડાંની હાર;

હો, નણંદ ભોજાઈ પાણી સંચર્યાં, મારા રાજ.

બેડાં રે મેલ્યાં સરોવરિયાની પાળે;

હો, ઊંઢાણી વળગાડી આંબાડાળિયે, મારા રાજ.

ભોજાઈ રે મારી બેડીલું ભરી આપ,

હો મારે જેવો રે સાંઢો સુંબરો, મારા રાજ.

નણદી રે મારી, સુંબરાને જાવ,

હો સુંબરો ઓઢાડે પીળી પામરી, મારા રાજ.

માતા રે મારી, બેડીલું ઉતરાવ,

હો માથું તપે, ને છાતી ફાટશે, મારા રાજ.

દીકરી રે મારી, કોણે દીધી ગાળ?

હો, કઈ રે સૈયરે મ્હેણું બોલિયું, મારા રાજ.

માતા રે મારી, નથી દીધી રે ગાળ,

હો વડી રે, ભોજાઈએ મે’ણું બોલિયું, મારા રાજ.

નણદી રે મારી સુંબરાને જાઓ;

હો સુંબરો ઓઢાડે પીળી પામરી, મારા રાજ.

આલા રે લીલા બાવળ વઢાવ્ય,

હો તેનો ઘડાવો સમરથ રેંટિયો, મારા રાજ.

તેણે કાંતો રે ઝીણાં ઝીણાં હીર;

હો તેની વણાવો પીળી પામરી, મારા રાજ.

કાંતું તો ભીંજાય મારા હાથ,

હો ઉનતાં ભીંજાય મારી આંગળી, મારા રાજ.

રતના રે રૈકા સાંઢલડી શણગાર;

હો મારે જાવું રે સુંબર દેશમાં, મારા રાજ.

ખેડી રે ખેડી માઝમ રાત;

હો સૂરજ ઊગ્યા રે સુંબર દેશમાં, મારા રાજ.

પાણી રે ભરતી પાણિયારી;

હો કિયા રે સુંબરજીના ઓરડા, મારા રાજ.

સુંબરાની દાસી દીવડલો અજવાળ્ય,

હો મારે રે જોવો છે સાંઢો સુંબરો, મારા રાજ.

શાની શાની વણું રે દિવેટ?

હો શાને અજવાળું જમરખ દીવડો, મારા રાજ.

નરમા કેરી વણ રે દિવેટ;

હો ઘીનો અજવાળો જરમરખ દીવડો, મારા રાજ.

સીમાડે આવ્યો રાયો રે ખેંગાર;

હો વાડીએ આવ્યો રે સાંઢો સુંબરો, મારા રાજ.

વાડીએ આવ્યો રાયો રે ખેંગાર;

હો ગોંદરે આવ્યો રે સાંઢો સુંબરો, મારાર રાજ.

ગોંદરે આવ્યો રાયો રે ખેંગાર;

હો બજારે આવ્યો રે સાંઢો સુંબરો, મારા રાજ.

બજાર આવ્યો રાયો રે ખેંગાર;

હો તોરણે આવ્યો રે સાંઢો સુંબરો, મારા રાજ.

તોરણે આવ્યો રાયો રે ખેંગાર;

હો માયરે આવ્યો રે સાંઢો સુંબરો, મારા રાજ.

માયરે આવ્યો રાયો રે ખેંગાર;

હો બાજઠે બેઠો રે સાંઢે સુંબરો, મારા રાજ.

પરણવા આવ્યો રાયો રે ખેંગાર;

હો લેંઘીવાળો રે સાંઢો સુંબરો, મારા રાજ.

અંગરખીવાળો રાયો રે ખેંગાર;

હો જામાવાળો રે સાંઢો સુંબરો, મારા રાજ.

પાઘડીવાળો રાયો રે ખેંગાર;

હો ફેંટાવાળો રે સાંઢો સુંબરો, મારા રાજ.

મશરૂવાળો રાયો રે ખેંગાર;

હો મોળિયાંવાળો રે સાંઢો સુંબરો, મારા રાજ.

બેડીવાળો રાયો રે ખેંગાર;

હો તોડાવાળો રે સાંઢો સુંબરો, મારા રાજ.

વીંટીઓવાળો રાયો રે ખેંગાર;

હો વેઢવાળો રે સાંઢો સુંબરો, મારા રાજ.

દોરાવાળો રાયો રે ખેંગાર;

હો ટુંપિયાવાળો રે સાંઢો સુંબરો, મારા રાજ.

બાપનો જોએલ રાયો રે ખેંગાર;

હો આપનો મોયેલ સાંઢો સુંબરો, મારા રાજ.

રસપ્રદ તથ્યો

આ ગીતમાં સાંઢો સુંબરો ઉલ્લેખ છે એ હમીર સુમરો જે પહેલાં નાના પરગણાંનો માલીક હતો. પાછળથી સિંધ કચ્છના અનેક નાના રાજયો જીતીને હિન્દુ રાજાઓની કુંવરીઓ સાથે લગ્ન કરીને છેલ્લે મોટો સુલતાન બની ગયો હતો. તે સુમરાની વાત હોઈ શકે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968