ranakdewDinun lokgit - Lokgeeto | RekhtaGujarati

રાણકદેવડીનું લોકગીત

ranakdewDinun lokgit

રાણકદેવડીનું લોકગીત

વાગ્યા વાગ્યા રે કાંઈ જાંગીના ઢોલ રે :

રાજાને ઘેર કુંવરી અવતર્યા—!

તેડાવો તેડાવો કોઈ જાણતલ જોશી રે :

કુંવરીના જોશ જોવડાવજો—

“પહેલો વાસો એના દાદાને ભારે રે :

બીજો વાસો એના મોસાળને—

ત્રીજો વાસો એના કાકાને ભારે રે :

ચોથો વાસો રે એની કાકીને—

પાંચમો વાસો રે એના વીરાને ભારે રે :

છઠ્ઠો વાસો રે એની ભાભીને—”

“મંગાવો મંગાવો કાંઈ દમણનાં ચીર રે :

કુંવરીને ભોમાં ભંડારિયે—”

ઓઝો ઓઝી કાંઈ ધૂડ ખોદવા જાય રે :

ધૂડ ખોદતાં રે બાળક લાધિયાં :

“ઘેલી ઓઝી! બાળક ખંખેરી લેજે રે :

વાંઝિયાં મેહેણાં રે આપણાં ભાગિયાં!”

“ઘેલા ઓઝા ઘેલડિયાં શાં બોલો રે?:

થાન વિનાનાં બાળક નહિ ઉઝરે—”

“લેજે લેજે કાંઈ સતીકેરાં નામ રે:

ટચલી આંગળિયે ધાવણ છૂટશે—”

લીધાં લીધાં સતી કેરાં નામ રે:

ટચલી આંગળિયે ધાવણ છૂટિયાં!—

ઓઝો ઓઝી બાળક લેઈ ઘેર આવ્યાં રે:

ઘેર જઈને રે ઝાંપા દઈ દીધા!—

ઘોડલી છૂટી રે કાંઈ, રાજાની છટી રે:

ઓઝાને ઘેરે રે ઘોડી જઈ ચઢી—

ઘોડલી હાંકી રે કાંઈ ઓઝાની કુંવરી રે:

કંકુના થાપા રે પડી રહ્યા!

“ઘેલા ઓઝા રે! કાંઈ ઝાંપલિયા ઉઘેડ રે:

તારી રે કુંવરીનાં માગાં આવિયાં—”

“ઘેલા રાજા! ઘેલડિયાં શાં બોલો રે:?

તમે રે રાજાને અમે દુભિયા!

પરણે પરણે રે કાંઈ રા’,ને ખેંગાર રે:

રાણામાં પરણે રે રાણકદેવડી—

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963