ranakdewDi - Lokgeeto | RekhtaGujarati

રાણકદેવડી

ranakdewDi

રાણકદેવડી

વાગ્યા વાગ્યા રે જાંગીના ઢોલ, રાજાને ઘેરે કુંવરી અવતરી.

તેડાવો તેડાવો રે જાણતલ જોષી, રે કુંવરીના જોષ જોવરાવો.

પહેલે પાયે રે રાજા ઉપર બાર, બીજે પાયે ગઢડો ઘેરશે.

ત્રીજે પાયે રે એના પંડ ઉપર ભાર, ચોથે પાયે રા’ખેંગાર મારશે.

મંગાવો મંગાવો રે ચૂંદડી ને મોડિયો, રે કુંવરીને ભોમાં ભંડારો.

જાસો ઓઝો રે ધૂડ ખોદવાં જાય, ધૂડને ખાડેથી બાળક લાધીયું.

જાસી ઓઝી રે ઝાંપલિયાં ઉઘાડ્ય, આપણે ઘેરે બાળક લાધીયું.

ઘેલા ઓઝા રે ઘેલું શું બોલ, માના થાન વિના બાળક ઉઝરે.

પાશું પાશું રે ગવરીના દૂધ, ઉપર પાશું સાકર શેરડી.

સઉ પાડશે રે રામનાં નામ, આપણે પાડશું રાણક દેવડી.

રાણક દેવડી રે પાણીડાની હાર, રાજા રા’ખેંગાર ઘોડા ખેલવે.

વાયા વાયા રે વા ને વંટોળ, રે વાયે છેડલા ઉડિયા.

નીરખી નીરખી રે સોળ ગજ સાડી, નીરખ્યો સવા ગજનો ચોટલો.

ઘેલા ઓઝા રે ઝાંપલિયા ઉઘાડ, તારી કુંવરીનાં માગાં આવિયાં.

અમે છીએ રે કચ્છના કુંભાર, તમે ઇંદરગઢના રાજિયા.

મંગાવો મંગાવો રે આલાલીલા વાંસ, ચોરી બંધાવો ચાંપામેરની.

પરણે પરણે રે રાજા રા’ખેંગાર, બાપ પરણે રે પંડની બેટડી.

ખરેળો ખરેળો રે ગરવો ગિરનાર, ખરેળા જૂનાગઢનાં કાંગરાં.

ખરળ મા, ખરેળ મા રે ગરવા ગિરનાર, તારી સલ્યા કોણ ચડાવશે?

રાણકદેવડીએ ઉઠીને માર્યો થાપો, સલ્યા તોળાણી બાવન હાથની.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 261)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ધીરજલાલ ડી. જોગાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966