mallarrawno garbo - Lokgeeto | RekhtaGujarati

મલ્લારરાવનો ગરબો

mallarrawno garbo

મલ્લારરાવનો ગરબો

શહેરનો સૂબો તે ક્યારે આવશે રે?

(ઢાળ : ‘લીપ્યું ને ગુંપ્યું મારૂં આંગણું રે’)

શહેરનો સૂબો તે ક્યારે આવશે રે?

દાતણ કરતા જાવ રે, મલ્લારરાવ!

શહેરનો સૂબો તે ક્યારે આવશે રે?

દાતણ કરશું વાડિયે રે : ફરતી ફીરંગીની ફોજ રે: મલ્લારરાવ! શહેરનો.

ચીની તે પ્યાલા તેલે ભર્યા રે : મર્દન કરતા જાવ રે: મલ્લારરાવ! શહેરનો.

મર્દન કરશું વાડિયે રે : ફરતી ફીરંગીની ફોજ રે: મલ્લારરાવ! શહેરનો.

તાંબા તે કુંડીઓ જળે ભરી રે : ના’વણ કરતા જાવ રે : મલ્લારરાવ! શહેરનો.

ના’વણ કરશું વાડિયે રે : ફરતી ફીરંગીની ફોજ રે : મલ્લારરાવ! શહેરનો.

રાંધી રસોઈઓ પડી રહી રે : ભોજન કરતા જાવ રે : મલ્લારરાવ! શહેરનો.

ભોજન કરશું વાડિયે રે : ફરતી ફીરંગીની ફોજ રે : મલ્લારરાવ! શહેરનો.

પાન સોપારી એલચી રે : મુખવાસ કરતા જાવ રે : મલ્લારરાવ! શહેરનો.

મુખવાસ કરશું વાડિયે રે : ફરતી ફીરંગીની ફોજ રે : મલ્લારરાવ! શહેરનો.

સોના તે કેરાં સોગઠાં રે : રમત રમતા જાવ રે : મલ્લારરાવ! શહેરનો.

રમત રમશું વાડિયે રે : ફરતી ફીરંગીની ફોજ રે : મલ્લારરાવ! શહેરનો.

ઢીંચણ સમાણો ઢોલિયો રે : પોઢણ કરતા જાવ રે : મલ્લારરાવ! શહેરનો.

પોઢણ કરશું વાડિયે રે : ફરતી ફીરંગીની ફોજ રે : મલ્લારરાવ! શહેરનો.

ક્યાંથી આવ્યા પીટ્યા જાંગલ રે? : માથે ટોપીને ભૂરો દરવેશરે : મલ્લારરાવ! શહેરનો.

શહેર છોડી સૂબો નીસર્યો રે : લીધી મદ્રાસની વાટ રે : મલ્લારરાવ! શહેરનો.

રાણી રુવે રંગમહેલમાં રે : દાસીઓ રુવે દરબાર રે : મલ્લારરાવ! શહેરનો.

હાટે રુવે હાટવાણિયા રે : ચોરે રુવે ચારણ ભાટ રે : મલ્લારરાવ! શહેરનો.

રસપ્રદ તથ્યો

વડોદરાના મહારાજા મલ્હારરાવ ગાયકવાડનો તા. 22 એપ્રિલ 1875ને દિવસે પદભ્રષ્ટ કર્યા હતા. તે પ્રસંગે વડોદરાની પ્રજામાં જે ખળભળાટ ફેલાયો હતો એ ક્રાન્તિકારી તથા કરુણ પ્રસંગે આ ગરબાને જન્મ આપ્યો છે. ‘ગમે તેવો પણ આપણો રાજા’—એવી રાજભક્તિ લોકહૃદયમાં વસેલી છે : તેનો આવીર્ભાવ અહીં થવા પામ્યો છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ ( ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, મંજુલાલ ર. મજમૂદાર, સુધા દેસાઇ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963