kedi banyo bhupal - Lokgeeto | RekhtaGujarati

કેદી બન્યો ભૂપાળ

kedi banyo bhupal

કેદી બન્યો ભૂપાળ

કેદી બન્યો ભૂપાળ, મલારરાવ કેદી બન્યો રે :

લાગી પકડતાં વાર, મલારરાવ કેદી બન્યો રે— ટેક

સંવત ઓગણીસેં એકત્રીસ પોસ માસ ગુરૂવાર :

શુક્લ પક્ષની સાતમે, જો ને ઝાલ્યો ઝટ, અસવાર—મલારરાવ. 1

મલના આવ્યા મહીપતિ, બેસી સુંદર વેહેલ :

પકડ્યો તેને એક પલકમાં, ત્યારે પામ્યો જવા ના ઘેર—મલારરાવ. 2

કીધો કાંપમાં કેદ ને, જપત કર્યું ઘરબાર :

પાય મૂકે નહીં કોઈને, તો કોણ કરે વેહેવાર—મલારરાવ. 3

દુવાઈ ફરી અંગરેજની, થરથર ધ્રૂજે લોક :

થશે હવે શું રાયનું, સઉ પામ્યા અતીશે શોક—મલારરાવ. 4

રાણી બે રૂદન કરે, સુના કમાબાઈ સોત :

કરે પ્રાર્થના ઈશની, હવે આપો હમારૂં મોત—મલારરાવ. 5

આવ્યા વિપ્ર દેશ પરદેશના, બેઠા કરે સહુ જપ :

ધ્યાન ધરે જુગદીશનું, જાણે કાલે છૂટી જશે નૃપ—મલારરાવ. 6

કહે મલારરાવ વાંક શો, કીધો મુજને કેદ : ?

કર જોડી કહે કરગરી, મને ખોલી બતાવોની ભેદ—મલારરાવ. 7

સર લુઈસ પેલી કહે, કીધો રાય તમે કેર :

સરબતમાં ઘોલી કરી, તમે પાયું કરનલને ઝેર—મલારરાવ. 8

કરનલ ફેર રાણીતણો, રેસીડેન્ટ સરદાર :

તેને હણવા કારણે, તમે લેશ કરી નહીં વાર—મલારરાવ. 9

મલારરાવ વિસ્મય થઈ, બોલીઓ દીન વચન. :

નથી ખબર મુજને, મારૂં બહુ રે બળે છે મન—મલારરાવ. 10

સર લુઈસ પેલી કહે, ન્યાય થશે પવિત્ર :

નહીં કરશો ચિંતા કદી, તમે ધીરજ રખો મિત્ર—મલારરાવ. 11

ભરૂચમાં બન્યો સરી, ગરબો રસાલ :

ઓચિંતો તે લઈ ગયા, જોને મદ્રાસમાં ભૂપાલ—મલારરાવ. 12

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963