morlo - Lokgeeto | RekhtaGujarati

મોરલો

morlo

મોરલો

સોના બેડું ને રૂપાની એંઢોણી જો;

રાજાની રાણી રે, સરોવર પાણીડાં જાય જો.

રાણી ભરે ને મોરલિયો નીર ઢોળે જો;

હસતાં-રમતાં ગોવાળિયાએ જોયાં જો!

ઊઠો ને રાજા ઘોડલિયા શણગારો જો;

રાજાની રાણી રે મોર સાથે હસે-રમે!

રાજાજી ચાલ્યા રે શિકારે ઘોડાં ખેલવ્યાં;

ઊંચો ડુંગર નીચાં મોરનાં ટોળાં જો!

મોરલા, તું ઊંચા ડુંગરિયા પર રેજે જો;

હઠીલો રાજા રે માર તને મારશે!

જલદી માર્યો ઝટકે ને પછાડ્યો જો;

લાવીને નાખ્યો રે રાણીના બાગમાં!

રાણીજી કહો તો, કૂવો રે ખોદાવું જો;

કૂવાની પાળે રે મોરલો ચીતરું!

મોરલો જોઈ રાણીની આંખે વહેતાં નીર જો;

ગએલો જીવ રે રાજા ફરી કેમ આવશે?

(પાઠાંતર)

ખારા પાણીમાં એક મીઠેરી કૂઈ જો,

રાજાની રાણી રે, પાણીડાં સંચર્યાં!

બેડું મેલ્યું સરોવરની પાળે જો,

એંઢોણી રે ભેરવી આબા ડાળમાં.

હસતાં-રમતાં ગોવાળિયાએ દીઠાં જો,

રાજાની રાણી રે મોર સાથે હસે રમે!

બેસેં ઘોડા ને ત્રણસેં દાસ જો,

રાજાજી ચાલ્યા રે શિકાર ખેલવા!

મારજો મારજો હરણાં ને કાળિયાર રે,

રખે ને મારો રે વન કેરો મોરલો!

નાઠાં નાઠાં હરણાં ને કાળિયાર જો,

મોતીડાં ચરતા રે મોરલાને મારિયો!

મોર લઈને રાજાજી મહેલે આવ્યા જો.

ઊઠો રાણી દીવડલા અજવાળો જો!

દીવાને અજવાળે રે મોરલિયો મૂકિયો;

સવા લાખનાં રાણી, મોર જોઈને રોઈ પડ્યાં!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968