hun suti’ti mara rangmolman - Lokgeeto | RekhtaGujarati

હું સુતી’તી મારા રંગમોલમાં

hun suti’ti mara rangmolman

હું સુતી’તી મારા રંગમોલમાં

હું સુતી’તી મારા રંગમોલમાં ને સુતાં ને સપનાં લાગિયાં જી રે;

ઊંડાં ઝળહળ મેં તો સપનામાં દીઠાં, માનસરોવર ભર્યાં દીઠાં જી રે.

આંગણે હસ્તી મેં તો સપનામાં દીઠા, કુંભકળશ ત્યાં ભર્યાં દીઠાં જી રે;

આંગણે આંબલો મેં તો સપનામાં દીઠો, જાય-જાવંત્રી ડુંગે ડુંગે જી રે.

મોતીના ચોક મેં તો સપનામાં દીઠા, લીલી હરિયાળી ત્યાં બહુ ફળી જી રે;

મેડીએ દીવડો મેં તો સપનામાં દીઠો, કંકુ કેશર કેરાં છાંટણાં જી રે.

સુતા જાગો રે મારા નણદીના વીરા, સપનાનો અરથ ઉકેલો જી રે;

ઊંડા જળહળ ગોરી મૈયર તમારૂં, માનસરોવર તમારૂં સાસરૂં જી રે.

આંગણે હસ્તી ગોરી વીરો તમારો, કુંભકળશ તારા કુળનાં જી રે;

આંગણે આંબલો ગોરી સસરો તમારો, જાયજાવંત્રી તમારા સાસુ જી રે.

મોતીના ચોક ગોરી કંથ તમારો, લીલી હરિયાળી નણંદ નાનકી જી રે;

મેડીએ દીવડો ગોરી કુંવર તમારા, કંકુકેશરીયાં વવારૂ તમારાં જી રે.

ઘણું જીવજો મારા નણદીના વીરા, સપનાના અરથ ભલા કર્યા જી રે;

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 185)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાની.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966