harya harya dinonath - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હાર્યા હાર્યા દીનોનાથ

harya harya dinonath

હાર્યા હાર્યા દીનોનાથ

[ફરતાં ફરતાં ગવાતો-ત્રણ તાળીનો રાસડો]

નવ નોરતાંની રાત્ય રળિયામણી રે લોલ.

નાર્ય જોવા નો નીકળે અભાગણી રે લોલ.

મેં તો ફૂલફગરનો પેર્યો ઘાઘરો રે લોલ.

મેં તો કાળી અટલસનું પેર્યું કાપડું રે લોલ.

મે તો ચૂંદડી ઓઢી છે મોંઘા મૂલની રે લોલ.

હાથે ચૂડી બલોયાં આડી ગુજરી રે લોલ.

નાકે નથડી ટીલડી દામણી શોભતી રે લોલ.

ડોકમાં પારો કટેહરી આડું ઝૂમણુ રે લોલ.

લેલાડ્ય તાંત્ય ટીલી ને આડી દામણી રે લોલ.

પગે કાંબી કડલાં ને વાગે વીંછિયા રે લોલ.

હું તો સોળું સજીને રમવા નીસરી રે લોલ.

હું તો એકલી એકલડો ફૂલ વીણતી રે લોલ.

મે તો દશવીશ્ય ફૂલનો દડો ગૂંથિયો રે લોલ.

મેં તો વિચારીને વિઠ્ઠલ વશ્યે નાખીઓ રે લોલ.

આવો આવો અલબેલા રમીએ સેાગઠાં રે લોલ.

તારા સોગઠાંનો કેવો કેવો રંગ છે રે લોલ.

રંગે લીલું, પીળું, કાળું, રાતું સોગઠું રે લોલ.

ભેરું ભણીને અલબેલો બેઠાં રમવા રે લોલ.

નાના બાળા રોવે તો ઊભું નો થાવું રે લોલ.

ઘીના ઘડા ઢોળાય તો ઊભું નો થાવું રે લોલ.

ચૂલે દૂધ ઊભરાય તો ઊભુ નો થાવું રે લોલ.

ગાના ગાળા છૂટે તો ઊભા નો થાવું રે લોલ.

પાહા પછાડીને ભેરુ ભણ્યે નાખિયા રે લોલ.

ઉજડ વનમાં તે દેવળ ચણાવિયાં રે લોલ.

તેના ફરતાં તે કાંગરાં કોરાવિયા રે લોલ.

એની માલીપા તે જાળિયાં મૂકાવિયાં રે લોલ.

ન્યાં અગર ચંદણના દીવા બળે રે લોલ.

ન્યાં મોટા મોટા ભૂપતિ જોવા મળ્યા રે લોલ.

ન્યાં રાજ મેલીને રાવણ આવિયો રે લોલ.

ન્યાં ઈન્દ્રાસણ મેલી, ઇંદરાણી આવિયાં રે લોલ.

ન્યાં વા વાસીદાં વાળે, પવન પાણી ભરે રે લોલ.

એમાં કાણુ હાર્યું ને કોણ જીતિયું રે લોલ?

હાર્યા હાર્યા દીનોનાથ, રાધાજી જીતિયાં રે લોલ.

હાર્યા કે'શું તો લોક ઠેકડી કરે રે લોલ.

જીત્યાં કે’શું તો તાળી પાડે હિંચની રે લોલ.

(કંઠસ્થઃ જીવીબહેન ડોડિયા, ગામ ઢૂંઢસર)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ