harni ne wyaadh - Lokgeeto | RekhtaGujarati

હરણી ને વ્યાધ

harni ne wyaadh

હરણી ને વ્યાધ

સરગે ભવનથી ઊતરી એક હૈણી, ન

વા’લા, આયી શ સંસારિયા મોજર રે;

હૈણી ચારો ચારતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ...સરગે.

હરતો ફરતો એક પારધીડો આયો, ન

વા’લા, હૈણી દેખી ને પાસો વાળિયો હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ...સરગે.

ઘરે આયી ન મૂરખે હથિયાર લીધાં, ન

વા’લા, હૈણી ન મારવા ચાલ્યો હો રામ

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

પેલી દશથી ખડક્યો પાહલો, ન

વા’લા, બીજી દશથી સાંધ્યાં બાણ હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

તીજી દશથી હળગાઈ શે આગ ન

વા’લા, ચોથી દશે મેલ્યો શવાન હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ચાર દવાર મૂરખે બંધ કરિયાં, ન

વા’લા હૈણી રોળાય વગડામાંય હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

નઈ રે મામા, ને નઈં મોસાળ, ન

વાલા, નઈં રે માડીજાયો વીર હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ઓત્તર દશથી ચડી એક વાદળી, ન

વાલા, ઝરમર વરસ્યા ઝેણા મે’ હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

વાધુ ચડ્યું વગડાની વચમાં, ન

વા’લા, બાણ વાજ્યું શવાનને શરીર હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

પેપળાના પોલથી નેંકળ્યો કાળુળો, ન

વાલા, જઈ ડસિયો પારધીડે પગ, હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

આગ ઓલાણી, મરાણો એનો શવાન, ન

વાલા, પારધીડાના પલમાં જ્યાશ પરાણ, હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ઓચીંતાના રે પવન ઊઠિયા, ન

વાલા, પાહલો ઉડાડ્યો અંગાશ હો, રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ચારે ય દવારા વા’લે ખોલિયા, ન

વા’લા, હૈણી મા’લે વનડા માંય હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

હૈણી ઊડી શ સરગે મા’લતી, ન

વા’લા, અંગાશે તારલા મંડાયા હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ગાય, શીખે, ને કોઈ સાંભળે, ન

વા’લા વેકુંઠ હશે એનો વાસ હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968