hariye jhalyo maro hath - Lokgeeto | RekhtaGujarati

હરિએ ઝાલ્યો મારો હાથ

hariye jhalyo maro hath

હરિએ ઝાલ્યો મારો હાથ

લીલું લીલું વનરાવન રે, લીલો કદમ કેરો છોડ,

પરભુ પાતળા રે, મારા ઘેર ઉતારા કરતા જાવ.

ઉતારા નહિ કરું રે, મારે જવું માનેતીને મો’લ,

માનેતી માયાળુ રે, બોલ્યા શ્રી ભગવાન.

સામી પોળમાં રે, સામાં સોનીડાનાં હાટ,

કડલાં ઓરતા રે, હરિએ ઝાલ્યો અમારો હાથ.

લીલું વનરાવન રે, લીલો કદમ કેરો છોડ,

પરભુ પાતળા રે, મારા ઘેર દાતણ કરતા જાવ.

દાતણ નહિ કરું રે, મારે જવું માનેતીને મોલ,

માનેતી માયાળુ રે, બોલ્યા શ્રી ભગવાન.

સામી પોળમાં રે, સામાં દોશીડાનાં હાટ,

ચૂંદડી ઓરતા રે, હરિએ ઝાલ્યો અમારો હાથ.

લીલું વનરાવન રે, લીલો કદમ કેરો છોડ,

પરભુ પાતળા રે, મારા ઘેર નાવણ કરતા જાવ.

નાવણ નહિ કરું રે, મારે જવું માનેતીને મો’લ,

માનેતી માયાળુ રે, બોલ્યા શ્રી ભગવાન.

સામી પોળમાં રે, સામાં માળીડાનાં હાટ,

ગજરા ઓરતા રે, હરિએ ઝાલ્યો અમારો હાથ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 181)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968