harni ne wyaadh - Lokgeeto | RekhtaGujarati

હરણી ને વ્યાધ

harni ne wyaadh

હરણી ને વ્યાધ

સરગે ભવનથી ઊતરી એક હૈણી,

વા’લા, આયી સંસારિયા મોજર રે;

હૈણી ચારો ચારતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ...સરગે.

હરતો ફરતો એક પારધીડો આયો,

વા’લા, હૈણી દેખી ને પાસો વાળિયો હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ...સરગે.

ઘરે આયી મૂરખે હથિયાર લીધાં,

વા’લા, હૈણી મારવા ચાલ્યો હો રામ

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

પેલી દશથી ખડક્યો પાહલો,

વા’લા, બીજી દશથી સાંધ્યાં બાણ હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

તીજી દશથી હળગાઈ શે આગ

વા’લા, ચોથી દશે મેલ્યો શવાન હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ચાર દવાર મૂરખે બંધ કરિયાં,

વા’લા હૈણી રોળાય વગડામાંય હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

નઈ રે મામા, ને નઈં મોસાળ,

વાલા, નઈં રે માડીજાયો વીર હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ઓત્તર દશથી ચડી એક વાદળી,

વાલા, ઝરમર વરસ્યા ઝેણા મે’ હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

વાધુ ચડ્યું વગડાની વચમાં,

વા’લા, બાણ વાજ્યું શવાનને શરીર હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

પેપળાના પોલથી નેંકળ્યો કાળુળો,

વાલા, જઈ ડસિયો પારધીડે પગ, હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

આગ ઓલાણી, મરાણો એનો શવાન,

વાલા, પારધીડાના પલમાં જ્યાશ પરાણ, હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ઓચીંતાના રે પવન ઊઠિયા,

વાલા, પાહલો ઉડાડ્યો અંગાશ હો, રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ચારે દવારા વા’લે ખોલિયા,

વા’લા, હૈણી મા’લે વનડા માંય હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

હૈણી ઊડી સરગે મા’લતી,

વા’લા, અંગાશે તારલા મંડાયા હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

ગાય, શીખે, ને કોઈ સાંભળે,

વા’લા વેકુંઠ હશે એનો વાસ હો રામ;

હૈણી ચારો ચરતી, રટતી હો રામ...

હૈણી હર હર બોલતી હો રામ... સરગે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 118)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968