han re pyare radhe! - Lokgeeto | RekhtaGujarati

હાં રે પ્યારે રાધે!

han re pyare radhe!

હાં રે પ્યારે રાધે!

હાં રે પ્યારી રાધે! જો પેલો નન્દકુમાર:

હાં દુલારી રાધે! જો પેલો નન્દકુમાર.

વાંકી શી પાઘે મોરપિચ્છ સોહે,

નટવર વેષ છે શ્રીકાર:— હાં રે પ્યારી.

પીતાંબર ધોતી ને નાકે રૂડું મોતી,

ગળે ગુંજા કેરો હાર— હાં રે પ્યારી.

ખાંધે છે કામળી, વીંટી છે આમળી,

ગેડી વીંઝે વારોવાર— હાં રે પ્યારી.

કદમ્બ છાંયે ઊભા છે કહાનજી,

મીટડીનાં બાણ મેલનાર— હાં રે પ્યારી.

બંસી બજાવી વ્હાલો, વાછડાં બોલાવે,

નાચંતો થેઈ થેઈ કાર— હાં રે પ્યારી.

કાળો કાળો કહી શ્યામને શરમાવ મા,

રૂપ તણો છે ભંડાર— હાં રે પ્યારી.

વૃંદાવનની કુંજ ગલીમાં.

તોડ્યો’તે નવસર હાર— હાં રે પ્યારી.

નંદનો છોરો છેક છછોરો:

ઠેકડી કરીને ઠગનાર— હાં રે પ્યારી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966